November 28, 2024

પ્રથમ વખત મતદારોને PM મોદીની ખાસ અપીલ – દરેક મત કિંમતી, દરેક અવાજનું મહત્વ

નવી દિલ્હી: દેશભરમાં આજથી લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે. આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકશાહીના મહાન પર્વ નિમિત્તે દેશવાસીઓને મતદાન કરવાની અપીલ કરી છે.

ટ્વિટર પર એક પોસ્ટમાં પીએમ મોદીએ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકોના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે વોટિંગ જરૂર કરો અને નવો રેકોર્ડ બનાવવો જોઈએ. આ સાથે પીએમ મોદીએ પહેલીવાર મતદારોને પણ ખાસ અપીલ કરી હતી અને મોટી સંખ્યામાં મતદાન કરવા જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે દરેક મત કિંમતી છે અને દરેક અવાજ મહત્વપૂર્ણ છે.

પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન
પ્રથમ તબક્કા હેઠળ દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થઈ રહ્યું છે. 102 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં આઠ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ દાવ પર છે. પ્રથમ તબક્કામાં નાગપુર, કન્યાકુમારી, ચેન્નાઈ સેન્ટ્રલ, મુઝફ્ફરનગર, સહારનપુર, કૈરાના, પીલીભીત, દિબ્રુગઢ, જોરહાટ, જયપુર. છિંદવાડા, જમુઈ, બસ્તર, નૈનીતાલ અને લક્ષદ્વીપ વગેરે બેઠકો પર 18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે.

પ્રથમ તબક્કામાં કયા રાજ્યોની કેટલી બેઠકો પર મતદાન?
પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ 39 બેઠકો, રાજસ્થાનની 25માંથી 12 બેઠકો, યુપીની 80માંથી 8 બેઠકો અને મધ્યપ્રદેશની 6 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રની 5, આસામની 5, ઉત્તરાખંડની 5, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મેઘાલયની 2, અરુણાચલ પ્રદેશની 2 અને મણિપુરની 2 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય પુડુચેરી, મિઝોરમ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને આંદામાન અને નિકોબારમાં 1-1 સીટ પર મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીની અપીલ છે કે દેશવાસીઓ ચોક્કસ મતદાન કરે.