રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ, કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠું
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના ઘણાં જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. ખેડૂતોએ લીધેલા પાક સહિત કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કચ્છ જિલ્લાના ભચાઉમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ચાલુ થયો છે. આ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ભચાઉ, ચિરાઈ, ચોપડવા અને લુણવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ભૂજના પણ અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા વિસ્તારમાં માવઠાંની શરૂઆત થઈ છે. પવનની સાથે વરસાદી ઝાપટા ચાલુ થયા છે. જિલ્લામાં આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટની વિદ્યાર્થિનીઓનાં પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી, મોરબી ઝૂલતા પુલ પર કામ કર્યું
અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. જિલ્લાના ધારી, ગીર અને ખાંભા ગીરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ધારી-ગીર તાલુકાના પાતળા, તરશિંગડા, ગઢીયા, ચાવંડમાં વરસાદ પડ્યો છે. ખાંભા-ગીરના ભાણીય, ધાવડીયા ગામે વરસાદી ઝાપટું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ પડતા ડુંગળી અને કેરીના પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ ડાયમંડ બુર્સ કમિટીનું મોટું આયોજન, 400થી 500 ઓફિસ શરૂ થશે
તો બીજી તરફ, ગોંડલના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ચાલુ થયો છે. વરસાદ પડતા ઉનાળુ પાકમાં નુકસાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તલ, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચ સહિતના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે.