વિવાદાસ્પદ નિવેદન મામલે પરશોત્તમ રૂપાલાને ક્લિનચીટ, જાણો રિપોર્ટમાં શું ખુલાસો કર્યો
રાજકોટઃ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ચૂંટણી પંચે તેમને ક્લિનચીટ આપી છે. ઉલ્લેખનીય છે કે, રૂપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે રિપોર્ટ મૂક્યો છે અને રૂપાલાને ક્લિનચીટ આપી છે.
મળતી માહિતી પ્રમાણે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જે કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ પ્રવચન આપ્યું હતું તે કોઈ રાજકીય સભા કે જાહેર સભા નહોતી. તે અવસાન થતા યોજાયેલા ભજન કિર્તનનો કાર્યક્રમ હતો. ડાહ્યાભાઈ પરમારનું અવસાન થતાં ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યાં પરશોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
આ ઉપરાંત રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે, ઘટનાસ્થળે કોઈ પક્ષના નિશાન કે ચિહ્ન નહોતા. પરશોત્તમ રૂપાલાની સ્પીચમાં મહારાજા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોઈ ચોક્કસ જ્ઞાતિ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.’
શું હતો સમગ્ર વિવાદ?
પરશોત્તમ રૂપાલાએ રૂખી સમાજની એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા.’ત્યારબાદ ખૂબ ઝડપથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ક્ષત્રિય સમાજે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ સાથે જ તેમણે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભાજપે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો નહોતો. આ નિવેદન આપ્યાની 30 મિનિટમાં જ રૂપાલાનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મિટિંગમાં પણ માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો. તેમની એક જ માગ રહી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.
ગુજરાતનાં અનેક ગામમાં ભાજપને પ્રવેશબંધી
ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તાર પણ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીથી નારાજ જોવા મળી રહ્યું છે. પરશોત્તમ રૂપાલાના નિવેદને લઈને ગુજરાતના અનેક ગામડાંઓમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો જોવા મળ્યા છે. મહત્વનું છે કે, જો આ વિવાદનો અંત નથી આવતો તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતા છે.