November 23, 2024

ફાગણી પૂનમે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ઉજવણી

fagan poonam holi dwarka dakor shamlaji devotees

ડાબેથી દ્વારકાધીશ, ડાકોરના રણછોડરાયજી અને શામળાજીના શામળશા શેઠની તસવીર

અમદાવાદઃ ફાગણી પૂનમના તહેવારને લઈને કૃષ્ણ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડ્યાં છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ડાકોર, દ્વારકા અને શામળાજીમાં રણછોડરાયજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. મંદિર પરિસરમાં પણ ભક્તોની પડાપડી જોવા મળી રહી છે. ત્યારે આવો ત્રણેય તીર્થસ્થાનોના દર્શન કરીએ…

શામળાજી મંદિર

શામળાજીમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર
હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા. હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાનાં આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરી તેમજ અબીલ-ગુલાલની છોળો ઉડાડી રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

દ્વારકા મંદિર

પગપાળા દ્વારકા જવાનો મહિમા
દ્વારકામાં પણ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું છે. ગોમતી ઘાટે વિશાળ જનમેદની ઉમટી છે. પવિત્ર ગોમતીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પગપાળા દ્વારકા જવાનો પણ મહિમા છે. ત્યારે મોટી સંખ્યામાં દ્વારકાધીશના ભક્તો ઉમટી પડ્યા છે. દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશના રંગે ભક્તો રંગાઈ ગયા છે. રાસની રમઝટ સાથે ભક્તો ઉમટી પડ્યા છે.

ડાકોર મંદિર

ડાકોરમાં દર્શનના ટાઇમમાં વધારો કર્યો
હોળીને લઈને યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો થયો છે. હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ભક્તો સંયમપૂર્વક દર્શન કરી શકે તે માટે પોલીસે વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત ઠેર ઠેર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. 200 લોકોના ગ્રુપમાં યાત્રિકોને મંદિર તરફ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે. ફાગણી પૂનમને લઈ 24 કલાકમાં ચાર લાખ જેટલા ભક્તો દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, આજે દ્વારકાધીશના મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે.