January 14, 2025

EDની કસ્ટડીમાંથી CM કેજરીવાલ ચલાવશે દિલ્હીમાં સરકાર

Arvind Kejriwal: દિલ્હીમાં લિકર પોલિસી મામલે EDએ CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ સાથે કેજરીવાલે પણ જેલમાંથી સરકાર ચલાવવાની શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, કસ્ટડીમાં રહેલા કેજરીવાલે પહેલો આદેશ જાહેર કર્યો છે. જે પાણી વિભાગ સાથે જોડાયેલો છે. દિલ્હી સરકારે મંત્રી આતિશીને ઓર્ડરની નોટિસ આપવામાં આવી છે. જે બાદ આજે એટલે કે રવિવારે 10 વાગ્યે આતિશી પ્રેસ કોન્ફરન્સ કરશે.

28 માર્ચ સુધી રિમાન્ડમાં કેજરીવાલ
દિલ્હીની રાઉજ અવેન્યૂ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે EDને 28 માર્ચ સુધી અરવિંદ કેજરીવાલની રિમાન્ડ આપ્યા છે. આ સમયે કોર્ટમાંથી કેજરીવાલે કહ્યું હતું કે, હું મુખ્યમત્રી પદ પરથી રાજીનામું નહીં આપું. જરૂર પડી તો હું જેલમાંથી સરકાર ચલાવીશ, પરંતુ રાજીનામું તો નહીં જ આપું. જેલમાંથી કામ કરવામાં થોડી તકલીફો થશે પરંતુ અમે પ્રયત્ન ચોક્કસ કરીશું અને દિલ્હીની જનતાને નિરાશ નહીં કરીએ.

વધુમાં કેજરીવાલે કહ્યું કે, ધરપકડ બાદ ઈડીના અધિકારીઓએ સારો અને સન્માનપૂર્વક વ્યવહાર કર્યો છે, પરંતુ આ કસ્ટડી દરમિયાન કોઈ પૂછપરછ થવાની સંભાવના નથી. આ સાથે લીકર પોલિસી વિશે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, આ સમગ્ર પ્રક્રિયામાં અનેક સ્તર પરથી પસાર થઈને નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નાણા મંત્રાલય, એલજી સહિત અનેક લોકોએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ પ્રશ્નોમાં માત્ર સિસોદિયા અને કેજરીવાલ જ કેમ અટવાયેલા છે?

EDનો આરોપ
ગુરૂવારે સાંજે EDની ટીમ અચાનકથી 10મું સમન્સ લઈને કેજરીવારના ઘરે પહોંચી હતી અને લગભગ 2 કલાકની પૂછપરછ બાદ લીકર પોલિસી મામલે કેજરીવાલની ધરપકડ કરી હતી. જે બાદ CMને રાઉજ અવેન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 7 દિવસ માટે કસ્ટડીમાં મોકલ્યા છે. જે બાદ EDએ રિમાન્ડ કોપીમાં કહ્યું કે, તે દારૂ નીતિના નિર્માણ અને અનિયમિતતાઓના ગુનામાં અરવિંદ કેજરીવાલની મુખ્ય ભૂમિકા છે. સીએમ કેજરીવાલ, દિલ્હી સરકારના મંત્રિયો અને AAP નેતાઓ સાથે મળીને આ ગરબડ કરી છે.