સાંસદ વિનોદ ચાવડાનો 14 દિવસમાં 8000 કિલોમીટરનો પ્રવાસ, 250થી વધુ ધાર્મિક સ્થાનોના દર્શન કર્યા
કૌશિક કંઠેચા, કચ્છઃ સમગ્ર દેશમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો લોકસભા વિસ્તાર કચ્છ છે. ત્યારે ત્યાંથી સાંસદ વિનોદ ચાવડાને ભાજપે ટિકિટ આપી રિપીટ કર્યા છે. તેમણે 14 દિવસમાં 8000 કિલોમીટરથી વધુનું અંતર કાપી 250થી વધુ મંદિર, ગુરુદ્વારા અને અન્ય ધાર્મિક સ્થળોનાં દર્શન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
દેશમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને રાજકીય પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન વિસ્તારની દૃષ્ટિએ દેશના સૌથી મોટા લોકસભા મતવિસ્તાર એવા કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા કે જેમને ત્રીજી વખત આ બેઠક પરથી રીપિટ કર્યા છે. તેમણે માત્ર 14 દિવસમાં કચ્છ અને મોરબી જિલ્લામાં 8000 કિલોમીટરનો પ્રવાસ કરીને 250થી વધુ મંદિર, ગુરુદ્વારા અને અન્ય ધાર્મિક સ્થળોના આશીર્વાદ લઈ નવો રેકોર્ડ બનાવ્યો છે.
નોંધનીય છે કે, દેશના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં એક તાલુકાથી બીજા તાલુકા વચ્ચેનું અંતર ઘણું છે અને એક ધાર્મિક સ્થળથી બીજા ધાર્મિક સ્થળનું અંતર 100 કિલોમીટરથી વધુ છે. આટલી ઝડપથી આટલા બધા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ ભાજપે કચ્છ-મોરબી લોકસભા સીટ માટે સાંસદ વિનોદ ચાવડાના નામની ઘોષણા કરી ત્યારથી વિનોદ ચાવડા ગામડાઓ, શહેરો અને રણ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળોના આશીર્વાદ લેવાનું શરૂ કર્યું અને તમને 250થી વધુ ધાર્મિક સ્થાનોનાં દર્શન કર્યા હતા.
સાંસદ વિનોદ ચાવડાએ વાત કરતા જણાવ્યું હતું કે, ‘આપણે હંમેશા આપણા બધા શુભ કાર્યોની શરૂઆત આપણા ભગવાન – આરાધ્ય દેવના આશીર્વાદથી કરીએ છીએ. જ્યારથી પાર્ટીએ મને આ લોકસભામાંથી રિપીટ કર્યો છે. તે દિવસથી આજ સુધીમાં 14 દિવસમાં 250થી વધુ નાના મોટા મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોના ગુરુઓ અને ગાદીપતિઓ અને સંતોના આશીર્વાદ લઈને હવે હું મારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યો છું.’