December 28, 2024

શું હતો વકીલ કિરીટ જોશી મર્ડર કેસ? આરોપી લંડનની જેલમાં બંધ

કિરોટી જોશી જામનગરના ચકચારી 100 કરોડના જમીન કૌભાંડનો કેસ લડી રહ્યા હતા.

સંજય વાઘેલા, જામનગર: 28 એપ્રિલ, 2018ના રોજ સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં રસ્તા પર છરીના ઉપરાઉપરી આઠથી દસ ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જે બાદ મુખ્ય આરોપીઓની કોલકાત્તામાંથી ધરપકડ કરે લવામાં આવી હતી. વર્ષ 2018ની 28મી એપ્રિલે જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં નામાંકિત વકીલ કિરીટ જોશીની થયેલી હત્યા મામલે પોલીસને કલકત્તાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી. કોલકત્તાથી ઝડપાયેલા દિલીપ પુજારા, હાર્દિક ઠક્કર અને જયંત ચારણની ધરપકડ કરવામાં આવી હતી. બાઈક લઈને આવેલા બે શખ્સોમાંથી એક શખ્સ છરી લઈને રસ્તાની વચ્ચે જ કિરીટ જોશી પર તૂટી પડ્યો હતો. આ સમયે અનેક લોકો અહીં હાજર હતા પરંતુ કોઈ પણ તેમના બચાવમાં આવ્યા ન હતા.

આ હત્યા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે, હત્યારો છરી લઈને કિરીટ જોશી પર તૂટી પડે છે. કિરીટ જોશી ત્યાંથી ભાગવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ ઉપરા ઉપરી છરીના ઘા વાગવાને કારણે તેઓ ત્યાં જ જમીન પર ફસડાઈ પડે છે.

કિરોટી જોશી જામનગરના ચકચારી 100 કરોડના જમીન કૌભાંડનો કેસ લડી રહ્યા હતા
જામનગર શહેરના બહુચર્ચિત હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચે 14મી મે, 2018ના રોજ મુંબઈથી બે આરોપીની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જયેશ પટેલે સોપારી આપીને કિરીટ જોષીની હત્યા કરાવી હતી. જયેશ પટેલ અને કિરીટ જોશી વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદમાં વધુ એક આરોપી અજય પાલસિંહની રાજસ્થાનના માઉન્ડ આબુથી ધરપકડ કરવામાં આવી હતી.

જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. અલગ-અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં ચપ્પાના ઘા મારીને હત્યા કરાવી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. હજુ પણ જયેશ પટેલ પોલીસ પકડથી દૂર છે અને હાલ લંડનમાં છે અને ગુજરાત પોલીસ તેને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.

જામનગરના વકીલ કિરીટ જોશીની એપ્રિલ, 2018માં હત્યા કરાવ્યા બાદ દુબઇ અને ત્યાંથી લંડન ભાગી ગયેલા ગેંગસ્ટર જયસુખ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઝબ્બે કરવા ભારતે બ્રિટનને તાકીદ કરી હતી. જામનગરના હત્યા અને જમીન કૌભાંડના કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો. ત્યાંથી ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસના પ્રયાસો ચાલી રહ્યા છે. લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ જયેશને ભારત પરત લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.