December 27, 2024

સુરતમાં બે બાળકીની હત્યા કર્યા બાદ માતાનો આપઘાત

surat kamrej mother killed two daughter and suicide

આ ઘરમાં માતાએ બે બાળકીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી છે.

સુરતઃ શહેરમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક હૈયું હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. કામરેજ વિસ્તારમાં માતાએ બે બાળકીની હત્યા કરી છે અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી નાંખી છે. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, કામરેજ વિસ્તારના હલધરૂમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં આ બનાવ બન્યો છે. તેમાં રહેતી માતાએ બે બાળકીની હત્યા કરી નાંખી છે. માતાએ બાળકીઓને ઝેરી દવા પીવડાવીને હત્યા નીપજાવી છે. ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી હતી.

પ્રાથમિક માહિતી પ્રમાણે, ઘરકંકાસને કારણે પરિણીતાએ આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ માતા સહિત બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાએ પતિ પાસે પૈસા માગ્યા હતા, ત્યારે પૈસા ન આપતા પત્ની અનન્યા મિશ્રાને ખોટું લાગ્યું હતું. ત્યારે તેણે વૈષ્ણવી અને વિધિ નામની બંને દીકરીઓની હત્યા કરી નાંખી હતી. એક બાળકીની ઉંમર અઢી વર્ષ તો બીજી દીકરીની ઉંમર 11 મહિના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે કામરેજ પોલીસે પતિ વરુણ મિશ્રાની વધુ પૂછપરછ હાથ ધરી છે.