February 6, 2025

આવતીકાલે વડાપ્રધાન વતનમાં, તરભ વાળીનાથમાં જાહેર સભા સંબોધશે

pm narendra modi gujarat visit 22 february tarabh valinath jaher sabha schedule

ફાઇલ તસવીર

મહેસાણાઃ તરભ-વાળીનાથ મહોત્સવનો કાલે અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે તરભ પધારવાના છે. તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, આવતીકાલે નરેન્દ્ર મોદીની જાહેર સભા સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

વડાપ્રધાનના આગમનને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. જેમાં 2200 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે હાજર રહેશે. આ ઉપરાંત 30 DYSP, 141 PSI, 67 PI પણ બંદોબસ્તમાં રહેશે.

સભાસ્થળ સુધી પહોંચવા માટે 140 જેટલી એસટી બસો ફાળવવામાં આવી છે. જ્યારે વિસનગર અને ઉંઝા તરફ એક કિલોમીટર દૂર પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે મહેસાણા પહોંચશે. ત્યાં તરભ-વાળીનાથ મંદિરમાં દર્શન કરી 1 વાગ્યે જાહેર સભાને સંબોધન કરશે.

ત્યારબાદ બપોરે 2:45 કલાકે અમદાવાદથી નવસારી અને કાકરાપાર મુલાકાતે રવાના થશે. સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે 6 કલાકે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે અને ત્યારબાદ 7:35 કલાકે સુરતથી વારાણસી જવા રવાના થશે.