ભારતના ઓપરેશન સિંદૂરના સમર્થનમાં આવ્યા વિશ્વના અનેક દેશ

Operation Sindoor: પાકિસ્તાન વિરુદ્ધના ભારતના ઓપરેશન સિંદૂરને વિશ્વના અનેક દેશોનું સમર્થન મળ્યું છે. પશ્ચિમી દેશ અને ટોચના રાજનેતાઓએ ભારતને સમર્થન આપ્યું છે. તેમજ ભારતની આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિને મજબૂત ટેકો આપ્યો છે. જોકે, UKના વિદેશમંત્રીએ 22 એપ્રિલના હુમલામાં કરેલી કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. આ સાથે ફ્રાંસ, ઈઝરાયલ,નેધરલેન્ડ અને અમેરિકાએ પણ ભારતની કાર્યવાહીને સમર્થન આપ્યું છે. સાથે જ પનામાના વિદેશમંત્રીએ પણ આંતકવાદ વિરુદ્ધના પગલાંમાં ભારતનો સાથ આપ્યો છે.

યુકે
યુકેના વિદેશ મંત્રીએ કહ્યું કે 22 એપ્રિલના રોજ થયેલા આ ભયંકર હુમલા પર ભારતનો આક્રોશ યોગ્ય છે. તેમણે પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદીઓનો સામનો કરવા માટે વધુ પગલાં લેવા હાકલ કરી છે. યુકેના સાંસદ ઋષિ સુનકે આતંકવાદી માળખા પર ભારતના હુમલાને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે, કોઈ પણ દેશે બીજા દેશથી તેના પર કરવામાં આવતા આતંકવાદી હુમલાઓને સ્વીકારવા ન જોઈએ. યુકેના સાંસદ પ્રીતિ પટેલે આ હુમલાને સપોર્ટ કર્યો છે અને કહ્યું છે કે, ભારતને પોતાનો બચાવ કરવા અને તેને ધમકી આપતા ઘૃણાસ્પદ આતંકવાદી માળખાને તોડી પાડવા માટે વાજબી પગલાં લેવાનો અધિકાર છે.

ફ્રાન્સ
એક સત્તાવાર નિવેદનમાં ફ્રેન્ચ વિદેશ કાર્યાલય ફ્રાન્સે 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, ફ્રાન્સ આતંકવાદી જૂથો સામેની લડાઈમાં ભારતને સમર્થન આપે છે.

ઈઝરાયલ
ભારતમાં ઈઝરાયલના રાજદૂતે કહ્યું કે, ઈઝરાયલ ભારતના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપે છે અને કહ્યું કે આતંકવાદીઓએ જાણવું જોઈએ કે, નિર્દોષો સામેના તેમના જઘન્ય ગુનાઓથી છુપાવવા માટે કોઈ જગ્યા નથી.

નેધરલેન્ડ્સ
સાંસદ ગીર્ટ વાઇલ્ડર્સે તેમના ટ્વિટ દ્વારા પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે કે કાશ્મીર 100% ભારતનું છે. તેમણે તેમના ટ્વિટમાં #PakistanBehindPahalgam નો પણ ઉપયોગ કર્યો છે.

અમેરિકા
કોંગ્રેસમેન શ્રી થાનેદારે કહ્યુ છે કે, આતંકવાદ સહન કરી શકાતો નથી અને તેને સજા કર્યા વિના છોડી શકાતો નથી. ભારતને તેના લોકોનો બચાવ કરવાનો અધિકાર છે. ઉગ્રવાદી નેટવર્કને તોડી પાડવાના ભારતના પ્રયાસોને ટેકો જાહેર કર્યો છે.

પનામા (પનામા યુએનએસસીનો અસ્થાયી સભ્ય છે)
પનામાના વિદેશ મંત્રાલયે કહ્યું કે પનામા પ્રજાસત્તાક આ દુ:ખદ નુકસાનમાં અને આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં ભારતની સાથે ઉભું છે.