મહેસાણા જિલ્લામાં 12 પાકિસ્તાની નાગરિક કરે છે વસવાટ, બે મહિલાઓ 1995માં લગ્ન કરીને આવી હતી ભારત

મહેસાણા: જિલ્લામાં 12 પાકિસ્તાની મુસ્લિમ નાગરિક વસવાટ કરે છે. જેમાં વિસનગરમાં 1995માં પાકિસ્તાનના હૈદરાબાદથી લગ્ન કરીને બે મુસ્લિમ મહિલાઓ આવી હતી. આ મહિલાઓએ વર્ષ 2024માં ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી હતી. હજુ સુધી બંને મહિલાઓની અરજી મંજૂર કરાઈ નથી. આ બંને મહિલાઓ દાદી બની ગઈ પણ હજુ ભારતીય નાગરિક બની શકી નથી.

વ્હોરા સકિના અને વ્હોરા મારીયા નામની બે મહિલાના વર્ષ 1995માં લગ્ન થયા હતા. વ્હોરા મારીયા ત્રણ સંતાનની માતા અને તેમના મોટા દીકરાને પણ 2 વર્ષની બેબી છે. તો વ્હોરા સકિનાના મુફદ્ધલ નામના દીકરાના તાજેતરમાં લગ્ન થયા છે. બંને પરિવારની મહિલાઓ લાંબા સમયથી LTV વિઝા પર ભારતમાં વસવાટ કરે છે. લગ્ન બાદ અનેક વખત આ મહિલાઓ અને તેમના સંતાન પાકિસ્તાનની મુલાકાત કરી ચૂક્યા છે. જોકે બંને મહિલાઓના પરિવારે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.