સુરત પોલીસ ગેરકાયદેસર ઘુસણખોરો સામે એક્શન મોડમાં, 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત

સુરતઃ ગુજરાત પોલીસ હવે ગેરકાયદેસર ઘુસણખોરો સામે કાર્યવાહી હાથ ધરી રહી છે. જેમાં સુરત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેર DCB અને SOGએ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 100 વધુ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરી છે. આ તમામ બાંગ્લાદેશીઓ બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં રહેતા હતા. પોલીસે ગેરકાયદેસર સુરતમાં વસતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.
આ મામલે શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ હાથ ધરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ઇસનપુરના ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ દરમિયાન 457 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. તમામની સઘન પૂછપરછ ચાલુ છે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગયા વર્ષે આ મામલે બે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 70 જેટલા બાંગ્લાદેશીઓને ઘરભેગા કર્યા હતા.
સુરતમાં મોડી રાતથી વહેલી સવાર સુધી પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અંદાજિત 132 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી. આ કાર્યવાહી અંગે જેસીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ હતુ કે, સુરતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાતથી વહેલી સવાર સુધી સર્ચની કામગીરી કરવામાં આવી છે. જ્યાં અલગ અલગ વિસ્તારોમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આ તમામ બાંગ્લાદેશીઓને પરત બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવશે. હજી પણ જે કોઈપણ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર સુરતમાં વસવાટ કરતા હશે, તેવા બાંગ્લાદેશીઓને શોધીને કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની મેગા સર્ચની કામગીરીમાં પોલીસનો મોટો કાફલો જોડાયો હતો.
અમદાવાદમાંથી 400થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સાથે SOG, EOW, ઝોન 6 હેડ ક્વાટરની ટીમોએ કોમ્બિંગનું આયોજન કર્યું હતું. જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન 400થી વધુ શંકાસ્પદ ઘુસણખોરોને ઝડપી પાડ્યાં છે. તમામ ઘુસણખોરોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કર્યા છે.