‘જડબાતોડ જવાબ આપીશું, ટુંક સમયમાં જ…’, પહલગામ આતંકવાદી હુમલા પર સંરક્ષણમંત્રી રાજનાથનું પહેલું નિવેદન

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓ અને તેમના આકા પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. હવે, આ આતંકવાદી હુમલા અંગે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રાજનાથ સિંહે કહ્યું છે કે આ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

સરકાર દરેક જરૂરી પગલાં લેશે: રાજનાથ સિંહ
દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું- “આપણે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.” ભારત આતંકવાદને લઈને ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. આ આતંકવાદી હુમલાના ગુનેગારોની સાથે, તેની પાછળ છુપાયેલા લોકોને પણ પકડવામાં આવશે. હું દેશને ખાતરી આપવા માંગુ છું કે યોગ્ય અને જડબાતોડ જવાબ આપવામાં આવશે.”

ચોક્કસ ધર્મને નિશાન બનાવાયો: રાજનાથ સિંહ
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટપણે કહ્યું છે કે પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં એક ચોક્કસ ધર્મને નિશાન બનાવવામાં આવ્યો છે. રાજનાથ સિંહે કહ્યું- “આ હુમલામાં આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આ અત્યંત અમાનવીય કૃત્યથી આપણે બધા ખૂબ જ દુઃખ અને પીડામાં ડૂબી ગયા છીએ. સૌથી પહેલા, હું એવા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ દુઃખદ સમયમાં, હું ભગવાનને મૃતકોના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”