PM મોદી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે, જેદ્દાહમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાના પ્રવાસે જશે. આ પીએમ મોદીની બે દિવસની મુલાકાત છે. આ દરમિયાન તેઓ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પણ મળશે. તેઓ સાંજે ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે. સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત સુહેલ એજાઝ ખાને જણાવ્યું હતું કે આ વડાપ્રધાનની જેદ્દાહની પહેલી મુલાકાત છે, જોકે તેઓ અગાઉ બે વાર સાઉદી અરેબિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.

નોંધનીય છે કે, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો છે. જેનો ઇતિહાસ સામાજિક-સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો સાથે જોડાયેલો છે. વ્યૂહાત્મક ભાગીદારો તરીકે બંને દેશો રાજકારણ, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ઊર્જા, રોકાણ, આરોગ્ય, શિક્ષણ, ટેકનોલોજી, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્કો જેવા મુખ્ય ક્ષેત્રોમાં ગાઢ સહયોગ કરે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં રોકાણોમાં વધારો, ગાઢ સંરક્ષણ સંકલન અને નિયમિત ઉચ્ચ-સ્તરીય બેઠકોને કારણે સંબંધો વધુ મજબૂત બન્યા છે.

આ પણ વાંચો: અમેરિકાના ઓર્લાન્ડો એરપોર્ટ પર ડેલ્ટા વિમાનમાં આગ, 282 મુસાફરોનો આબાદ બચાવ

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મુલાકાત વ્યાપક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને સામાન્ય હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પીએમ મોદીની મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે પહેલાથી જ મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે.