સુરતમાં લગ્નની ઉજવણી છોડી નવવધૂ જામનગર ડિગ્રી લેવા પહોંચ્યા

સંજય વાઘેલા, જામનગરઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 29મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે નવવધૂ ડૉ. મેહઝબીન શેખને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
સુરતની નવવધૂ ડૉ. મેહઝબીન જલાલુદ્દીન શેખે શિક્ષણ પ્રત્યેનું અનોખું સમર્પણ દર્શાવ્યું છે. વલસાડની આર.એમ.ડી. આયુર્વેદ કોલેજમાંથી બીએએમએસની ડિગ્રી મેળવનાર ડૉ. મેહઝબીનના લગ્ન સુરતના ડૉ. ઈરફાન ઈમરાન મુલ્લા સાથે તાજેતરમાં સંપન્ન થયા હતા. 20મી એપ્રિલની રાત્રે સુરતમાં તેમના લગ્નનું રિસેપ્શન યોજાયું હતું, જ્યારે 21મી એપ્રિલની સવારે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારોહ હતો.
લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ પદવીદાન સમારોહની તારીખ આવતા ડૉ. મેહઝબીન અને તેમના પતિ ડૉ. ઈરફાને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેમણે લગ્નના રિસેપ્શન અને ઘરે આવેલા મહેમાનોને છોડીને જામનગર જવા માટે ટ્રેન પકડી હતી. આખી રાતનો પ્રવાસ ખેડીને તેઓ જામનગર પહોંચ્યા હતા અને ત્યાં રાજ્યપાલના હસ્તે ડૉ. મેહઝબીન શેખે તેમની ડોક્ટર ઓફ આયુર્વેદની ડિગ્રી આપી હતી. ડિગ્રી મેળવ્યા બાદ આ દંપતી તરત જ સુરત પરત ફર્યું હતું.
ડૉ. મેહઝબીન અને ડૉ. ઈરફાન મુલ્લાએ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને આદરનું ઉત્તમ ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું છે. જ્યાં શિક્ષણનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું જોવા મળે છે, ત્યાં આ દંપતીએ એક નવી રાહ ચીંધી છે. તેમનું આ કાર્ય અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.