સરકારી નોકરીની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનારી મહિલા આરોપી ઝડપાઈ, બોટાદ SOGની કાર્યવાહી

અશ્વિન મકવાણા, બોટાદઃ રાજકોટ અને બોટાદ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને 43.50 લાખની છેતરપિંડીના કેસમાં છેલ્લા નવ માસથી ફરાર મુખ્ય મહિલા આરોપીને SOG પોલીસે અમદાવાદથી ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના 8 લોકો તેમજ રાજકોટ જિલ્લાના 8 મળી કુલ 16 લોકોને શિલ્પાબેને નોકરીની લાલચ આપી હતી અને રૂપિયાની માંગણી કરી હતી. જેથી ભોગ બનનારા તમામ લોકોએ અલગ અલગ રીતે 43.50 લાખ રૂપિયા શિલ્પાબેનને આપ્યા હતા. પરંતુ તમામ ભોગ બનનારા નોકરી ઈચ્છુકોને મેરીટમાં નામ ન આવતા અને નોકરી ન મળતા તેમણે શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી. પરંતુ શિલ્પાબેને રૂપિયા પરત ન કરતા આખરે ગત તારીખ 22 જુલાઈ 2024ના રોજ બોટાદ પોલીસમાં શિલ્પાબેન દવે, ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ વિરૂદ્ધ રૂપિયા 43.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે શિલ્પાબેન દવે અને જગદીશભાઈ ફરાર થયા હતા.

બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને 43.50 લાખની છેતરપિંડી કરનારા મુખ્ય માસ્ટર માઇન્ડ શિલ્પાબેન દવે છેલ્લા 9 માસથી ફરાર હતા. જ્યારે બોટાદ એસઓજી પીઆઈ એમએ જાડેજાને મળેલી બાતમીના આધારે એસઓજી પીઆઈ અને તેમની ટીમ અમદાવાદ પહોચ્યાં હતા અને શિલ્પા દવેને અમદાવાદથી ઝડપી લીધી હતી. વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. જ્યારે આ કેસમાં જગદીશભાઈ નામનો આરોપી ફરાર છે.

બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકો સાથે છેતરપિંડી કરનારી મુખ્ય મહિલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. શિલ્પા દવેએ અરવલ્લી જિલ્લામાં વિદેશ મોકલવાની લાલચ આપીને 29 લાખની છેતરપિંડી કરી હતી, આ અંગે મોડાસા પોલીસમાં ગુનો નોંધાયેલો છે.