સુરતમાં સોફ્ટવેર એન્જિનિયરની આત્મહત્યા મામલે ચોંકાવનારો ખુલાસો

સુરતઃ શંકાસ્પદ હાલતમાં સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરતની વેસુમાં આવેલી હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પરથી સોફ્ટવેર એન્જિનિયરનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સોફ્ટવેર એન્જિનિયરે હોટલમાં આવતા પહેલાં નજીકની એક દુકાનમાંથી છરો ખરીદ્યો હતો. ત્યારબાદ હોટલના રૂમમાં શરીર પર જાતે જ છરાના ઘા મારી આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

અક્ષત શાહ નામનો સોફ્ટવેર એન્જિનિયર વાર્ષિક 50 લાખના પેકેજ સાથે બેંગ્લોરની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આત્મહત્યા પહેલાં તેણે પોતાની કંપનીને એક મેઈલ કરી પોતે હોટેલમાં રોકાયો હોવાની માહિતી આપી હતી અને તેની પત્નીને આ બાબતે જાણ કરવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એન્જિનિયરની આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ મામલે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.