વડોદરામાં પાણીની સમસ્યાનો વિરોધ કરવા નીકળેલી મહિલાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

વડોદરા: વડોદરામાં પાલિકાના શાસકોના પાપે કાળઝાળ ગરમીમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. મતનો અધિકાર ધરાવતા વડોદરાના નાગરિકોને જાણે કે પાણી વાપરવાનો અધિકાર નથી તેમ પાણીની સમસ્યાને લઇને વિરોધ કરવા માટે નીકળેલી મહિલાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરતા પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
વડોદરાના નાગરિકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા, પરંતુ આજ મહિલાઓ પાણી માંગવા નિકળી તો આજે પોલીસે બળજબરી કરી અટકાયત કરી હતી. વડોદરાના સમા વિસ્તારની આમ્રપાલી, સચ્ચિદાનંદ, મહાકાળી સોસાયટીની મહિલાઓ છેલ્લા 15 દિવસથી પાણી નહીં આવતા આજે થાળી, વેલણ અને માટલા લઈ વોર્ડ ઓફિસ જવા નીકળી હતી. જોકે મહિલાઓ નીકળે તે પહેલા જ પોલીસે મહિલાઓની ધરપકડ કરી લીધી હતી. મહિલાઓ સાથે પોલીસે બળજબરી અને ધક્કામુક્કી કરી પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારે મહિલાઓએ આક્ષેપ કર્યો કે ભાજપને જ વોટ આપ્યા અને ભાજપના કોર્પોરેટરોના ઇશારે પોલીસે ધરપકડ કરી છે. શું પાણી માગવું એ ગુનો છે…?
સમા પોલીસે પાંચ પુરુષ અને ચાર મહિલાઓની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓ સાથે બળજબરી મામલે એસીપીનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળલવા માટે અટકાયત કરવામાં આવી છે. થાળી, વેલણ લઈને રોડ પર નીકળવાના હતા જેના કારણે કાયદો વ્યવસ્થા ના બગડે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.
સમા વિસ્તાર વોર્ડ 2માં આવેલો છે અહીં ચારેય કોર્પોરેટર ભાજપના છે, પરંતુ લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે આ ત્રણેય સોસાયટીમાં લો પ્રેશરની સમસ્યા હોવાનું કોર્પોરેટર ભાનજીભાઈ પટેલ જણાવી રહ્યા છે. ફાજલપુર નદીમાં ફ્રેન્ચવેલ બંધ હોવાના કારણે પાણી ઓછું આવે છે પરંતુ પાણીની લાઇન લીકેજ થઈ હતી, તે રિપેર થઈ ગઇ છે. બે દિવસમાં પાણી પ્રેશરથી આવતું થઈ જશે.
વડોદરામાં છેલ્લા ઘણા સમયથી પાણીની પોકાર ઉઠી રહી છે અને મહિલાઓ આંદોલન કરવા મજબૂર બની છે. ત્યારે લોકોને પાણીની સમસ્યાથી ક્યારે મુક્તિ મળશે તે મોટો સવાલ છે અને તંત્ર પાસે કોઈ જ જવાબ નથી.