કુવૈત અને ઇરાકમાં ધૂળની ડમરીઓ ઉડી, શ્વાસ લેવાનું પણ બન્યું મુશ્કેલ

Dust storm Kuwait: કુવૈત અને દક્ષિણ ઇરાક હાલમાં ધૂળના તોફાનની ઝપેટમાં છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે અને ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. કુવૈતમાં, હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે ધૂળની ડમરીઓ “હાલમાં સમગ્ર દેશમાં ફેલાયેલી છે અને આખી રાત આવી જ પરિસ્થિતિ રહેશે.” હવામાન વિભાગે માહિતી આપી હતી કે દૃશ્યતા 100 મીટરથી ઓછી થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં શૂન્ય છે.

ધીમે ધીમે સુધારાની આશા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારથી હવામાનમાં ધીમે ધીમે સુધારો થશે. કુવૈતના ગૃહ મંત્રાલયે પણ સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું છે. કોઈપણ જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવાની અને રેતીની નજીક વાહન ચલાવવાનું ટાળવાની સલાહ આપી છે.

તોફાનને કારણે ઇરાકની પણ હાલત ખરાબ
ઇરાકમાં પણ ધૂળના તોફાનને કારણે કુવૈત જેવી જ સ્થિતિ સર્જાઈ છે. દેશના દક્ષિણ ભાગમાં ઘણા વિસ્તારોમાં જોરદાર ધૂળવાળા પવન ફૂંકાયા હતા, જેના કારણે બસરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ્સ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી અને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

મધ્ય અને દક્ષિણ ઇરાકમાં રેતીના તોફાનો આવ્યા બાદ એક હજારથી વધુ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, એમ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. મુથન્ના પ્રાંતના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 700 લોકોએ ગૂંગળામણનો ભોગ બન્યા હોવાનું નોંધાયું છે.