સુરતમાં લૂંટ કરે તે પહેલા લૂંટારુ ગેંગ ઝડપાઈ, પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 આરોપી ઝડપાયા

અમિત રૂપાપરા, સુરત: સુરતના મહિધરપુરા વિસ્તારમાં આંગણીયા પેઢી તેમજ હીરા પાર્સલો લઈ જતી બસ પર થાળ પાડવાનો પ્લાનિંગ કરતી આંતરરાજ્ય રેઠા ગુનેગાર જેમ્સ અલમોડાની ગેંગની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુનાને અંજામ આપે તે પહેલા જ જેમ્સ અલમોડા તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ સહિત છ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ચાર પિસ્ટન અને 40 રાઉન્ડ કાર્ટીઝ જપ્ત કરવામાં આવ્યા છે.

સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં બનેલ હત્યા, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુનાઓમાં આરોપીને શોધી કાઢવા તેમજ ઓર્ગેનાઇઝ ક્રાઈમના આરોપી પર સરવેલન્સ રાખવા માટે સુરત પોલીસ કમિશનરની સૂચના બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એક્ટિવ થઈ છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કડોદરા સારોલી રોડ પર શંકાના આધારે એક હુન્ડાઈ વેરના કારણે રોકી તેમાં તપાસ કરવામાં આવતા કારની અંદરથી જેમ્સ અલમેડા અને સલાઉદ્દીન શેખ નામના ઇસમો મળી આવ્યા હતા. આ બંને ઈસમો પાસેથી બે પિસ્ટલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કારની અંદર તપાસ કરતા કારમાં બે મિર્ચી સ્પ્રે અને રેમ્બો છરો પણ મળી આવ્યો હતો.

આ ઉપરાંત તેમની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, જેમ્સ અલમેડા સુરતમાંથી હીરાના પાર્સલો લઈ જતી બસને લૂંટવાની ફિરાકમાં હતો અને ત્યારબાદ આરોપીની વધુ પૂછપરછમાં સામે આવ્યું કે, તેના અન્ય સાગરીતો કડોદરાના મહાદેવ નગર રેસીડેન્સીના તાતીથૈયા ખાતે રહે છે. તેથી આ જગ્યા પર રેડ કરતા પોલીસે રાજેશ પરમાર, રહીશખાન, ઉદયવીરસિંગ તોમર અને વિજય મેનબંસીની ધરપકડ કરી છે.

આ તમામ આરોપીની પૂછપરછમાં પોલીસને જાણમાં મળ્યું હતું કે, આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ અલમેડા છે અને તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ તેમજ મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટ, ધાડ, પોલીસ જાપ્તા પર ફાયરિંગ, લૂંટ સમયે પોલીસ પર ફાયરિંગ, 15 કિલો સોનાની લોટ વાહન ચોરી સહિતના ગુના નોંધાયા છે.

આ ઉપરાંત આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી મકોકા કેસમાં તલોજા જેલમાં સજા કાપી રહ્યો હતો. તે દરમિયાન જેમ્સની મુલાકાત રાજેશ પરમાર સાથે થઈ હતી. રાજેશ પરમાર શિવપુર મધ્યપ્રદેશ ખાતે જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતો હતો. રાજેશ પરમાર કિલ્લાકૂટ પોલીસ સ્ટેશન ખાતે 20 કિલો ગોલ્ડ ચોરીના કેસમાં જેલવાસ ભોગવી રહ્યો હતો અને ત્યારથી તે આરોપીનો મિત્ર બની ગયો હતો. જેલમાંથી છૂટ્યા બાદ જેમ્સ અને રાજેશ અવાર નવાર એકબીજા સાથે મુલાકાત કરતા હતા અને તે દરમિયાન રાજેશ પરમાર દ્વારા જેમ્સની મુલાકાત ઉદય સાથે કરાવવામાં આવી હતી. ઉદય અગાઉ સુરત હીરા ઉદ્યોગ સાથે જોડાયો હતો અને તેને ખબર હતી કે સુરતમાંથી કઈ પ્રકારે હીરાની સપ્લાય થાય છે.

ઉદય તોમર દ્વારા જેમ્સને ટીપ આપવામાં આવી હતી કે, સુરતની હીરા બજારમાંથી રોજ શ્રી રામ ટ્રાવેલ્સની બસ સુરતથી વડોદરા મોટા પ્રમાણમાં હીરા તેમજ સોનાના જથ્થા સાથે જાય છે. તેથી જેમ્સ દ્વારા હથિયાર સાથે પોતાના સાગરીતોને સાથે રાખી બસને હાઇજેક કરી બસમાં તમામ વસ્તુની લૂંટ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ માટે અન્યના લોકોની પણ મદદ લેવામાં આવી હતી અને સૌપ્રથમ મુખ્ય આરોપી જેમ્સ અલમેડા દ્વારા બસની રેકી કરવામાં આવી હતી અને મિનિટે મિનિટનું બસનું શિડયુલ મેળવવામાં આવ્યું હતું.

જેમ્સ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો કે ચાર લોકો બસમાં જઈને બસ હાઇજેક કરી તેમાં લૂંટને અંજામ આપ્યા બાદ અન્ય ચાર લોકો લૂંટારૂને પીકઅપ કરી ફરાર થઈ જશે. આરોપીઓ દોઢ મહિનાથી એક મકાન ભાડે રાખી કડોદરા રહેતા હતા. આ ઉપરાંત સુરત ગ્રામ્ય, વડોદરા, સુરત, ભરૂચની આંગણીયા પેઢી તેમજ હીરા બજાર અને જ્વેલરી શોપ પર અલગ અલગ જગ્યા પર રેકી કરતા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચે લૂંટની ઘટના થાય તે પહેલા જ જેમ્સ અલમેડા અને પોલીસ કોન્સ્ટેબલ સહિત છ ઈસમોની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે જેમ્સ સામે અલગ અલગ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20 ગુના દાખલ થયા છે. તો ઉદય તોમર સામે સુરતના પાંડેસરા ક્રાઈમ બ્રાન્ચ અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયા છે. રાજેશ પરમાર સામે અગાઉ 20 કિલો ગોલ્ડની ચોરીનો ગુનો દાખલ થયો છે. તો રહીશખાન સામે અગાઉ એક ગુનો દાખલ થયો છે.