ચીન અમેરિકા પાસેથી 125% ટેરિફ વસૂલશે, ગઈકાલે ટ્રમ્પ વહીવટીતંત્રે ડ્રેગન પર 145% ડ્યુટી લાદી હતી

US-China Tarrif War: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર સતત વધી રહ્યું છે. ગુરુવારે અમેરિકાએ ચીનથી આયાત થતા માલ અને સેવાઓ પર ટેરિફ વધારીને 145 ટકા કરવાની જાહેરાત કરી હતી. જેના જવાબમાં આજે ચીને પણ અમેરિકાથી આયાત થતા સામાન અને સેવાઓ પર ટેરિફ વધારીને 125 ટકા કરવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ચીને આયાતી યુએસ ઉત્પાદનો પર વધારાની ડ્યુટી વધારીને 125 ટકા કરી દીધી છે, જે અગાઉ 84 ટકા હતી. વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે અમેરિકાની ડ્યુટીમાં વધારા બાદ ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પણ કેસ દાખલ કર્યો છે.

અમેરિકાના તાજેતરના નોટિફિકેશન મુજબ, ચીન પર કુલ 145 ટકા ડ્યુટી લાદવામાં આવી છે. અગાઉ, ચીને અમેરિકા પર 84 ટકા ટેરિફ લાદીને બદલો લીધો હતો અને કેટલીક અમેરિકન કંપનીઓની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, ચીને પણ આ મુદ્દાના ઉકેલ માટે અમેરિકા સાથે વાતચીત કરવામાં રસ દર્શાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ચીન એકમાત્ર એવો દેશ છે જેણે અમેરિકાના ટેરિફ સામે બદલો લીધો છે.

ટ્રમ્પે શરૂઆતમાં ચીન પર 34% ટેરિફ લાદ્યો હતો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ વિશ્વના વિવિધ દેશો પાસેથી અલગ અલગ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે શરૂઆતમાં ચીન પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો, ત્યારબાદ ચીને પણ અમેરિકા પર 34 ટકાનો વળતો ટેરિફ લગાવ્યો હતો. અહીંથી જ બંને દેશો વચ્ચે ટેરિફ યુદ્ધ શરૂ થયું હતું. આ પછી ટ્રમ્પે ચીનને ધમકી આપી હતી કે જો તેઓ જવાબી ટેરિફ નહીં હટાવે તો અમેરિકા તેમના પર 50 ટકા વધારાની ડ્યૂટી લગાવશે, એટલે કે કુલ 84 ટકા.