MP શાહ કોલેજમાં ફરી વિવાદ, હોસ્ટેલમાં મળવા ગયેલી મિત્રને કારણે ચાર વિદ્યાર્થિનીને દોઢ લાખનો દંડ

સંજય વાઘેલા, જામનગરઃ જિલ્લાની એમપી શાહ મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે બીજી હોસ્ટેલમાં રહેતી ડોક્ટર તેની અન્ય ડોક્ટર મિત્રોને મળવા અન્ય હોસ્ટેલમાં ગઈ તો ચીફ વોર્ડને આને ગંભીર ગુનો ગણી હોસ્ટેલમાં રહેતી 4 છોકરીઓ સહિત મળવા ગયેલી છોકરીને દોઢ લાખનો દંડ ફટકારતા મેડિકલ કેમ્પસ વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, આ ઉતાવળે ભરેલું પગલું હોવાથી સત્તાવાળાઓ પણ હવે મુંઝવણમાં મુકાઈ ગયા છે.
જામનગર એમપી શાહ મેડિકલ કોલેજની લેડીઝ હોસ્ટેલના હાઉસમેન બી કોમન રૂમમાં ચાર એમબીબીએસ પૂર્ણ કરી ડોક્ટર બનેલી યુવતીઓ જેમાં નેહા ગરાસીયા, ખ્યાતી કિશોરી, પદ્મીની પટેલ અને શ્રુતિ રાઠોડ રહે છે. તેને મળવા માટે તેની મિત્ર સરીતા રાવત હોસ્ટેલ નં. 1, રૂમ નં. 19માં રહે છે. તે મળવા જતા આ સમયે જ ચીફ વોર્ડને કથિત રીતે હોસ્ટેલનું ચેકિંગ કર્યું હતું. જેમાં આ યુવતી રૂમમાં મળી આવતા તેમણે ગંભીર ગુનો કર્યો હોવાની નોંધ લઈ સરીતા રાવત અનઅધિકૃત રીતે રહે છે, તેમ માની સરીતા રાવત સહિત અન્ય ચાર યુવતીઓને 30-30 હજાર એટલે કે દોઢ લાખનો દંડ ફટકાર્યો. જેનાથી વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો છે.
ખરેખર તો જે વિદ્યાર્થિની મળવા આવી તે પણ હોસ્ટેલમાં જ રહે છે, તે અન્ય મિત્રને મળવા હોસ્ટેલમાં આવી હતી. તેને ચીફ વોર્ડન ડો. હર્ષ ત્રિવેદીએ ગુનો ગણી લીધો હતો. આ બનાવના કારણે મેડિકલ કેમ્પસમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તેમજ ચર્ચાનો વિષય બન્યો છે. બીજી બાજુ આ બનાવમાં કાચું કપાયું હોય તેમ ડીને પણ હાલ દંડની રકમ પર રોક લગાવી તપાસ ચાલુ કરાવી દીધી છે.