વરાછામાં વ્યાજખોરના ત્રાસથી દંપતીએ ઝેરી દવા ગટગટાવી, તાત્કાલિક સારવાર માટે ખસેડ્યાં

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં દંપતીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. અરવિંદ ખેર અને રીટાબેન ખેરે શનિવારે રાત્રે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ બંને પતિ-પત્નીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યાં છે. આ સમગ્ર મામલે વરાછા પોલીસને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પતિ-પત્નીએ વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી છે. વ્યાજખોરો દ્વારા પૈસા માટે દબાણ કરવામાં આવતું હતું. ત્રણ લાખ રૂપિયા હતા અને દંપતી દ્વારા દર મહિને વ્યાજ ચૂકવવામાં આવતું હતું. ત્રણ લાખની જગ્યાએ 10 લાખ વ્યાજખોરે વસૂલ્યા હોવા છતાં આઠ વર્ષનું વ્યાજ વસૂલવા વ્યાજખોર ત્રાસ આપતો હતો.
અગાઉ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગોજીયા દ્વારા વ્યાજખોરને સમજાવાયો હતો. પરંતુ વ્યાજખોર તે છતાં માન્યો નહોતો અને તેણે ત્રાસ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.