ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક ગરમ પવન ફૂંકાવાની સંભાવના, આગામી 48 કલાક ભારે!

Weather Update: દેશભરમાં હાલ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓ આ દિવસોમાં ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જ્યારે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મેઘાલય, બિહાર અને ઝારખંડમાં વરસાદી માહોલ છે. પર્વતીય રાજ્યોમાં હજુ પણ શિયાળો અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દિલ્હીમાં હીટવેવનું એલર્ટ જારી કર્યું છે. આજે, એટલે કે 8 એપ્રિલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જ્યારે 9 અને 10 એપ્રિલે ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે. મહત્તમ તાપમાનમાં એક કે બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

પર્વતીય રાજ્યોમાં હવામાન કેવું રહેશે?
8 એપ્રિલથી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 9-11 એપ્રિલ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની અપેક્ષા છે.

આગામી 3 દિવસ દરમિયાન મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. IMD અનુસાર બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના છતાં ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહે છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં લગભગ બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાના ટેરિફ લાદવાની આપી ધમકી, ટ્રેડ વૉર થવાની ચિંતા વધી

ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ
8-9 એપ્રિલ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પૂર્વ રાજસ્થાનમાં ગરમી વધવાની શક્યતા છે. સોમવારે રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 6.8 ડિગ્રી વધારે છે. ચિત્તોડગઢમાં મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું.