બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરવાનું કૌભાંડ, 12 લોકોની અટકાયત

બનાસકાંઠાઃ ભાભર પંથકમાંથી બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરવાનું રેકેટ ઝડપાયું છે. ભાભરની મહાલક્ષ્મી પ્રાઈવેટ ડેરીમાં દૂધ ભરાવતું ટેન્કર ઝડપાયું છે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિયોદર ASPને આ અંગે બાતમી મળી હતી અને તેને આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હજારો લીટર દૂધ ઝડપ્યું છે. મહાલક્ષ્મી ખાનગી ડેરીમાં દૂધ પહોંચાડવા પીકપ ડાલાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે ત્રણ ટેન્કર અને બે પીકપ ડાલા ગાડી કબજે કર્યા છે.

1600 લીટર દૂધ પીકઅપ ડાલા સહિત પાંચ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપીઓ બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ કાઢી તેમાં પાણી ભરી દેતા હતા. રાત્રિના સમયે ટેન્કરમાંથી દૂધ કાઢી અને પાણી ઉમેરી દેતા હતા. દિયોદર પોલીસે આ મામલે 12 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.