ડીસા આગકાંડ: કોઈએ મા-બાપ, ભાઈ-બહેન તો કોઈએ આખો પરિવાર ગુમાવ્યો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જીઆઇડીસીમાં આવેલા ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં એકાએક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટમાં 21 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના 24 જેટલા પરપ્રાંતિયો અહીં મજુરી અર્થે આવેલા હતા અને આ મજૂરો ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. ત્યારે 1 એપ્રિલના રોજ સવારે 9:30 વાગ્યાના સમયે ફટાકડા બનાવી રહ્યા હતા, તે દરમિયાન અચાનક એકાએક બ્લાસ્ટ થયો હતો. જેમાં કુલ 21 લોકોના મોતથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે.
મધ્યપ્રદેશના 24 જેટલા મજદૂરો આ ફટાકડાની ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા તે સમયે એક યુવક ત્રણ વર્ષની બાળકીને પાણી પીવડાવવા માટે બહાર જાય છે અને એક બ્લાસ્ટ થાય છે ને આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની ચિકારીઓ નજરે જોનારો આ યુવક ફાયર સેફટીની સ્વીચ ચાલુ કરવા જાય છે, પરંતુ ફાયર મશીન ની સ્વિચ બગડેલી હોવાથી 21 લોકો તેની નજર સામે બળીને ભડથું થઈ ગયા હતા.
ધૂળેટીની પહેલા પહેલા આ મજૂરો અહીં ફટાકડા બનાવવાની મજૂરી અર્થે આવેલા હતા પરંતુ હોળી ધૂળેટી આવતા તેઓ પોતાના વતન મધ્ય પ્રદેશ ખાતે હોળી ધૂળેટી મનાવવા ફરી પાછા ગયા હતા અને ત્યારબાદ ફરી ઘટનાના બે દિવસ પહેલા જ અહીંયા આવ્યા હતા અને એક દિવસ કામ કર્યું અને બીજા દિવસે સવારે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે એમને મનમાં પણ નહીં વિચાર્યું હોય કે થોડીક જ મિનિટમાં તેમને મોત ભરખી જશે અચાનક જ બ્લાસ્ટ થયો હતો ને 21 લોકોના મોત થયા હતા. બ્લાસ્ટ એટલો મોટો હતો કે તેનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો હતો. એટલી મોટી માત્રામાં બ્લાસ્ટ થયો હતો કે જે આરસીસીનું ટ્રક્ચર બનાવેલું હતું તેના જે પીલ્લરો 200 મીટર સુધી દૂર જઈને પડ્યા હતા.
મજદૂર યુવકે જણાવ્યું હતું કે, ફટાકડા બનાવનાર દિપક ટ્રેડિંગ કંપનીનાં માલિક દ્વારા 1000 ફટાકડા બનાવવાના 300થી 400 રૂપિયા મજૂરી આપવામાં આવતી હતી. જ્યારે આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને તે સમયની આ દર્દનાક ઘટનામાં કોઈએ માતા ગુમાવી છે, તો કોઈએ પિતા ગુમાવ્યાં છે, તો કોઈએ ભાઈ-બહેન ગુમાવ્યા છે. તો કોઈએ આખો પરિવાર ગુમાવ્યો છે.