ડીસાની ફડાકડા ફેક્ટરી બ્લાસ્ટનો મુખ્ય આરોપી સાબરકાંઠાથી ઝડપાયો

બનાસકાંઠાઃ ડીસા ફટાકડા બ્લાસ્ટનો મુખ્ય આરોપી દિપક સિંધી આખરે સકંજામાં આવી ગયો છે. એલસીબીએ સાબરકાંઠાથી દિપકને ઝડપી પાડ્યો છે. હિંમતનગરમાં પણ દિપક સિંધીની ફટાકડાની ફેક્ટરી હતી. પોલીસે લોકેશન અને પરિવારના બે સભ્યોને સાથે રાખ્યા બાદ તેમને આરોપી દિપકની બાતમી મળી હતી. બાતમીને આધારે એલસીબીએ દિપક સિંધીને ઝડપી ડીસા લઈ ગઈ છે.
જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું?
આ મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા આ મામલે કહે છે કે, ‘પીએમ થયા બાદ મૃતદેહેનો મધ્યપ્રદેશ મોકલાશે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 17 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિવિધ બોડી પાર્ટ્સ મળતા આંકડો 21 જેવો કહેવાતો હતો. તમામ કાટમાળ હટી ગયા બાદ સંપૂર્ણ ખબર પડશે. 90 ટકા કાટમાળ હટી ગયો છે. દિપક ટ્રેડર્સમાં દિપક અને પિતા સહિતના લોકો લાયસન્સ વગર સ્ટોક રાખતા હતા. તપાસ માટે 5 ટીમો બનાવવામાં આવી છે. IGની સૂચનાથી SITની રચના કરવામાં આવી છે. DYSP અધિકારીના અધ્યક્ષતામાં SOG, LCB પીઆઈ, પીએસઆઈ સહિતની ટીમ તપાસ કરશે.’
આ મામલે ભુજ રેન્જ IG ચિરાગ કોરાડિયા જણાવે છે કે, ‘ડીસા GIDC બ્લાસ્ટ મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ડીસાના DYSP સીએલ સોલંકી, ઈશારોદર પોલીસ સ્ટેશનના પીઆઇ એજી પ્રજાપતિ, SOGના PI એજી રબારી, LCBના PSI એસબી રાજગોરની અલગ અલગ ટીમો આરોપીની શોધખોળ માટે લગાવવામાં આવી છે.’