પુતિનની ચાલાકીથી ગુસ્સે ભરાયેલા ટ્રમ્પની ધમકી – યૂક્રેન ડીલમાં મોડું કર્યું તો રશિયાને બરબાદ કરી નાંખીશ!

Donald Trump on Russia: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં NBC ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીની સરકારની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા બાદ તેઓ તેમનાથી ‘ખૂબ જ નારાજ’ અને ‘ગુસ્સે’ છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેઓ આ અઠવાડિયે પુતિન સાથે વાત કરવાનું વિચારી રહ્યા છે. રવિવારે સવારે એક ફોન કોલ ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, તેઓ રશિયન તેલ પર બીજો ટેરિફ લાદી શકે છે.
યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, ‘જો રશિયા અને હું, યુક્રેનમાં રક્તપાત રોકવા માટે સંમત ન થઈ શકીએ અને જો મને લાગે કે તે રશિયાની ભૂલ છે – જે હોઈ શકે છે અથવા ન પણ હોય. પરંતુ જો મને લાગે કે તે રશિયાની ભૂલ છે, તો હું રશિયન તેલ પર, રશિયામાંથી નીકળતા બધા તેલ પર બીજો ટેરિફ લગાવીશ.’
અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, રશિયા પાસેથી તેલ ખરીદનારાઓ માટે અમેરિકામાં વ્યવસાય કરવો મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે, તેલ પર 25 ટકા ડ્યુટી લાદવામાં આવશે, જે 25-50 પોઈન્ટ ડ્યુટીની સમકક્ષ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની આ ચોંકાવનારી ટિપ્પણી તેમણે તાજેતરમાં ઝેલેન્સકીને સરમુખત્યાર કહ્યા બાદ આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, ઝેલેન્સકીના યુદ્ધના સંચાલનથી તેઓ બીમાર છે.