ચાર વર્ષની બાળકી બોલે છે A to Z ઓર્ડરમાં વિશ્વના દેશોનાં નામ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

સાગર ઠાકર, જૂનાગઢઃ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે માત્ર ચાર વર્ષની ઉંમરે એક બાળકીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધંધુસર ગામે રહેતા મિલનભાઈ અને મનીષાબેન મુળીયાસિયાની ચાર વર્ષની પુત્રી સમીરાએ 53 સેકન્ડમાં એ ટુ ઝેડ આલ્ફાબેટીકલ ઓર્ડરમાં વિશ્વના દેશોના નામ બોલવાનો વિક્રમ કર્યો છે.
સમીરાની ઉંમર હજુ ચાર વર્ષની છે. ધંધુસર આંગણવાડીમાં તે નિયમિત જાય છે અને ગામના અન્ય બાળકો સાથે તે ઘણું શીખે છે. પરંતુ તેની આ સિદ્ધિ માટે તેની માતા મનીષાબેનનું પણ મોટું યોગદાન છે. સમીરા બે વર્ષની હતી ત્યારથી જ ઘરમાં દાદીબા પાસે હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર બોલતા શીખી ગઈ હતી. તેની માતા મનીષાબેને સમીરામાં રહેલી શક્તિને ઓળખી અને તેને સામાન્ય જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. ન માત્ર જૂનાગઢ, ગુજરાત કે ભારત પરંતુ વિશ્વના દેશોના નામ પણ શીખવાડ્યા હતા.
સમીરા ન માત્ર ગુજરાતી ભાષા પરંતુ હિન્દી, અંગ્રેજી અને પોર્ટુગીઝ પણ બોલી શકે છે. તેને સૌરમંડળ, બ્લેક હોલ, ડાયનોસોર જેવી વૈજ્ઞાનિક જાણકારી પણ છે, જે તેની માતાએ શીખવી છે. માતાની સાથે સમીરાના પિતા અને તેના દાદા-દાદીનો પણ સમીરાના ઘડતરમાં મહત્વનો ફાળો છે. દાદા-દાદી અને પિતાએ સંસ્કારનું સિંચન કર્યું અને માતાએ જ્ઞાનનું સિંચન કર્યું. પરિણામે ચાર વર્ષની ઉંમર કે જ્યારે હજુ બાળકને પરાણે આંગણવાડીમાં મોકલવું પડે તે ઉંમરે સમીરા આલ્ફાબેટીકલ ઓર્ડરમાં વિશ્વના દેશોના નામ કળકળાટ બોલી જાય છે.
પોતાની બાળકીમાં રહેલા આ ગુણને પારખીને તેના માતા-પિતાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સમીરાનો વીડિયો મોકલ્યો હતો. ત્યારબાદ તેની ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થતાં સમીરાને આ સિદ્ધિ હાંસલ થઈ છે.