મોરારીબાપુએ ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મ્યાનમારની કરન્સી પ્રમાણે 9 કરોડની સહાય કરી

તલગાજરડા:  શ્રીરામચરિતમાનસના ઉતરકાંડમાં સંતના સ્વભાવનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સંતનો સ્વભાવ માખણ જેવો હોય છે. સંત હૃદય નવનીત સમાના…સંત એ છે જે બીજાનું દુઃખ જોઈ અકારણ જ દ્રવી ઊઠે છે.આ વ્યાખ્યા પૂજ્ય મોરારીબાપુ જાણે ચરિતાર્થ કરતાં હોય તેમ પૂજ્ય બાપુએ મ્યાનમારને 9 કરોડની સહાયતા રાશી અર્પણ કરી છે.

બે દિવસ પહેલા ભારતના પડોશી દેશ મ્યાનમારમાં એક અત્યંત વિનાશકારી ભૂકંપ આવ્યો હતો અને જેની તીવ્રતા 7.7 હતી. તેના કંપનો ચીન અને ભારત સુધી અનુભવવા મળ્યા. પ્રાપ્ત માહિતી મુજબ 1000થી વધુ લોકોનાં મોતને પુષ્ટિ થઇ છે. અમેરિકાની સંસ્થાના અહેવાલ અનુસાર 10,000 લોકોના મોતની ભીતિ સેવાઈ રહી છે એ ઉપરાંત મ્યાનમારને જાન માલની પણ બહુ જ મોટી ખુવારી વેઠવી પડી છે.

પૂજ્ય બાપુની રામકથા આજથી આર્જેન્ટીના ખાતે શરૂ થઈ રહી છે, ત્યાં જયારે એમને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે મ્યાનમારના લોકો પ્રત્યે એમની સંવેદનાઓ વ્યક્ત કરી છે.પૂજ્ય બાપુએ મ્યાનમારની કરન્સી અનુસાર 9 કરોડની સહાયતા રાશિ પ્રેષિત કરી છે. યૂકે સ્થિત રામકથાના શ્રોતા લોર્ડ ડોલરભાઈ પોપટ અને રમેશભાઈ સચદેવ દ્વારા આ વિતીય સેવા મ્યાનમાર રેડક્રોસને પહોંચતી કરવામાં આવશે. આ અત્યંત કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ અર્જેન્ટીનાની વ્યાસપીઠ પરથી પ્રાર્થના કરી છે.