સુરતના મેયરના વોર્ડમાં બાળકોની સ્કેટિંગ રિંગ બની દારૂડિયાઓનો અડ્ડો, ખાલી બોટલો મળતા વિવાદ

અમિત રુપાપરા, સુરતઃ સ્માર્ટ સિટીની વાત કરતા મેયર દક્ષેશ માવાણીના વોર્ડમાં જ બાળકોને રમવા માટે બનાવવામાં આવેલી સ્કેટિંગ રિંગની હાલત દયનીય જોવા મળી રહી છે. વર્ષ 2005માં કતારગામના બાળકો માટે બનાવવામાં આવેલી સ્કેટિંગ રિંગ 2025માં ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહી છે. કોરોના મહામારીમાં આ સ્કેટિંગ રિંગ બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્કેટિંગ રિંગનું મેન્ટેનન્સ ન થવાના કારણે કચરાના ઢગલા અહીં જામી ગયા છે. તેથી લાખોનો ખર્ચો પાણીમાં ગયો હોય તેવું સ્કેટિંગ રિંગની હાલત પરથી કહી શકાય. હાલ આ સ્કેટિંગ રીંગને અસામાજિક તત્વોએ દારૂ પીવાનું સ્થાન બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ સ્કેટિંગ રીંગની અંદર મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલની પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા 2005માં સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્કેટિંગ રિંગનો ઉપયોગ થઈ રહ્યો ન હોવાના કારણે સ્કેટિંગ રિંગમાં કચરાના ઢગલાઓ જામી ગયા છે. બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ આવે તેને લઈને આ સ્કેટિંગ રિંગ 2005માં શરૂ કરવામાં આવી હતી.
સુરતના તત્કાલીન મેયર સ્નેહલત્તાબેન ચૌહાણ દ્વારા આ સ્કેટિંગ રિંગની ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી હતી. પરંતુ સ્કેટિંગ રિંગની હાલત હાલ ખૂબ જ દયનિય જોવા મળી રહી છે. કોરોના મહામારી બાદ આ સ્કેટિંગ રિંગ બંધ કરી દેવામાં આવી હતી. હજુ સુધી આ સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં આવી નથી. હવે બાળકોને જો સ્કેટિંગ શીખવું હોય તો તેઓ આ રિંગમાં સ્કેટિંગ શીખી શકે તે પ્રકારની હાલત પણ અહીંયા દેખાઈ રહી નથી. એટલે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ સ્કેટિંગ રિંગ હાલ દયનિય હાલતમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સુરત મનપાના શાસકો બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે તે માટે આ સ્કેટિંગ રિંગને ફરીથી સાફ-સફાઈ કરીને બાળકો માટે ક્યારે ખુલ્લી મુકશે. કારણ કે અહીં બાળકોના માતા-પિતા પોતાના બાળકોને એડમિશન માટે લાવે છે. પરંતુ સ્કેટિંગ રિંગ બંધ હોવાના કારણે બાળકોને ઉદાસ ચહેરે પરત ફરવું પડે છે. મહત્વની વાત છે કે, સ્કેટિંગ રિંગની હાલત દયનીય છે તે સ્કેટિંગ રિંગ સુરતના મેયર દક્ષેશ માવાણીના વોર્ડમાં આવે છે. મેયર એક તરફ સ્માર્ટ સિટીની વાતો કરે છે અને બીજી તરફ તેમના જ વોર્ડમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સ્કેટિંગ રિંગ જંગલમાં પરિવર્તિત થઈ ગઈ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી થતી ન હોવાનું સામે આવી રહ્યો છે.
બીજી તરફ આ સ્કેટિંગ રિંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં દારૂની બોટલો જોવા મળી રહી છે. એટલે કે અસામાજિક તત્વોએ બાળકોને રમવા માટે બનાવવામાં આવેલી સ્કેટિંગ રિંગનો ઉપયોગ દારૂ પીવા માટેના અડ્ડા તરીકે શરૂ કર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. આ સ્કેટિંગ રિંગ બનાવવા પાછળનો હેતુ એવો હતો કે, બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને બાળકો સ્પોર્ટ્સમાં આગળ વધે પરંતુ હાલ આ સ્કેટિંગ રિંગ બંધ થઈ ગઈ છે. બાળકોને જે સ્કેટિંગનો ઉપયોગ કરાવવામાં આવતો હતો તેવા લાખો રૂપિયાના સ્કેટિંગ બિનવારસી હાલતમાં છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ સ્કેટિંગ રિંગના ટોયલેટની અંદર મૂકવામાં આવ્યા છે. ત્યારે શું સુરત મહાનગરપાલિકાને જનતાના પૈસે તૈયાર થયેલી લાખો રૂપિયાની આ સ્કેટિંગ રિંગની કંઈ પડી નથી? શા માટે વર્ષોથી બંધ સ્કેટિંગ શરૂ નથી કરવામાં આવતી તે પણ એક મોટો સવાલ છે.
એક તરફ પોલીસ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ સુરતનું કતારગામ પોલીસ સ્ટેશન આ સ્કેટિંગ રિંગથી માત્ર પાંચ મિનિટના અંતરે છે. છતાં પણ અસામાજિક તત્વો આ સ્કેટિંગ રિંગમાં દારૂ પાર્ટી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે કે ખૂબ મોટી માત્રામાં દારૂની બોટલ ખાલી ગ્લાસ તેમજ ચખણાના પેકેટ સ્કેટિંગ રિંગમાં જોવા મળી રહ્યા છે. એટલે પોલીસ સ્ટેશનથી પાંચ મિનિટના અંતરે આવેલી આ સ્કેટિંગ રિંગ અસામાજિક તત્વો અને દારૂડિયાઓનો અડ્ડો બની છે. ત્યારે પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.