ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકોની કાયમી ભરતી કરવા માગ, મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયાં

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા મુદ્દે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગર ખાતે ધરણાં કર્યા હતા. વિવિધ પડતર માગણીઓને લઈને વ્યાયામ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

તેમણે જણાવ્યુ હતુ કે, ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે તે અમને સ્વીકાર્ય નથી. 11 માસ કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં એક સરખા નિયમ નથી. રાજ્યમાં તમામ ખેલ સહાયક માટે રજા માટેનાં કોઈ એક સરખા નિયમ નથી. રાજ્યમાં ખેલ સહાયકનાં 11 માસ વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય છે તે બાબતનો ખુલાસો નથી.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ખેલ સહાયકને 11 માસ પૂરા થયા વગર જ કોઈ પણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામા આવે છે. રાજ્યમાં ખેલ સહાયકને લઈને કોઈ પણ અધિકારી પાસે કોઈ પણ માહિતી નથી. CRC, BRC, TPEO, DPEO તમામ અંગે માહિતી નથી. રાજ્યમાં ફેબ્રુઆરી માસમા અમુક જિલ્લાઓમાં પૂરો પગાર થાય છે, અમુક જિલ્લાઓ માં પગાર જ નથી થતો.

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનાં ખેલ સહાયકને છૂટા કરવાનો ઓફિસિયલ પરિપત્ર જાહેર કર્યો છે. જ્યારે પ્રાથમિક વિભાગનો કોઈ જ પરિપત્ર નથી થયો. રિન્યૂની પ્રોસેસ ચાલુ કરી દીધી છે, એ પણ આખી નવેસરથી કરવામાં આવી છે, જેની કોઈ જરૂર જ નથી. નિમણૂક મળી ગયેલા ઉમેદવારોનું ફરીથી પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવી રહી છે. અનેક આવેદન પત્ર આપ્યા છે, વારંવાર રજૂઆત કરી છે. તે છતાં ઠરાવમાં કોઈ સુધારા કરવામાં આવ્યા નથી.