ગુજરાત પોલીસથી ફફડે છે ગેંગસ્ટર્સ, ગેંગ બને તે પહેલાં જ પોલીસ તોડી નાંખે છે કમર

જનક દવે, અમદાવાદઃ ગુજરાતમાં ગેંગ ઊભી થાય એ સાથે જ ગુજરાત પોલીસ એની કમર તોડી નાંખે છે. ક્રિમિનલ્સની દુનિયા પણ દિલચસ્પ હોય છે. જાણો છેલ્લા એક દશકમાં ઊભી થયેલી ગેંગ્સ વિશે..

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે સોપારી કિલર્સને પકડ્યા છે, જે સોપારી લઈ અને લોકોની હત્યા કરતા હતા. એક ધર્મેશ અને એક સમાધાન ઉર્ફે આનંદ. ધર્મેશની બહેનની છેડતી કરનારાની ધર્મેશે હત્યા કરી નાંખી હતી. લીંબડી પોલીસે એની ધરપકડ કરી હતી. જો કે, પેરોલ જમ્પ કરીને એ ભાગી ગયો હતો. ધર્મેશ હવે અંધારીઆલમમાં આગળ વધવા માંગતો હતો. એટલે ધર્મેશે અનિલ રાઠીની ગેંગ જોઇન કરી હતી.

અનિત કાઠી – ફાઇલ તસવીર

આ બધા વચ્ચે એક વ્યક્તિની હત્યા માટે અનિલ કાઠીને 25 લાખની સોપારી મળી હતી. અનિલે 10 લાખ રૂપિયા એડવાન્સ લીધા અને કામ ધર્મેશ અને સમાધાન ઉર્ફે આનંદને સોંપાયું. સમાધાન ઉર્ફે આનંદ ઉપર પણ મહારાષ્ટ્રમાં ઘણા ગુના નોંધાયા છે. સોપારીનું કામ હાથમાં લીધા બાદ અનિલ કાઠી ઉપરાંત ધર્મેશ અને સમાધાન ત્રણેય બનાસકાંઠા પહોંચ્યા હતા. તેમણે બનાસકાંઠામાં મફા પટેલની સોપારી લીધી હતી..

તારીખ 27/10/2023… મફા પટેલ બાઈક પર પત્ની સાથે ઘરે જાતો હતો. ત્યારે અનિલ રાઠી અને તેના સાગરિતોએ એક જીપમાં મફા પટેલનો પીછો કર્યો હતો અને સૂમસામ રસ્તા પર મફા પટેલની દર્દનાક રીતે પત્નીની સામે તડપાવી તડપાવીને આખરે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ સોપારી ભગીરથ બારોટ દ્વારા આપવામાં આવી હતી. ભગીરથના પિતાની 2016માં હત્યા થઈ હતી અને એનો આરોપ મફા પટેલ પર હતો.

હત્યા બાદ અનિલ સમેત ધર્મેશ અને સમાધાન ઉર્ફે આનંદ ફરાર હતા. જો કે, થોડા સમય બાદ અનિલ વિશે સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, તે મુંબઈમાં છુપાયો છે. જ્યાં વિરાર હાઈવે પર તેનું લોકેશન મળતાં તેની ધરપકડ કરી હતી. અનિલ કાઠી ગુજરાત પોલીસ માટે માથાનો દુખાવો બની ચૂક્યો હતો. હત્યા, હત્યાનો પ્રયાસ ઉપરાંત લૂંટ, પ્રોહિબિશનના 24થી વધુ ગુના રજિસ્ટર્ડ હતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસ પણ તેને શોધી રહી હતી. ધરપકડ બાદ તેની ગેંગની કમર તોડવા ગુજરાત પોલીસ ગુજસીટોક દાખલ કર્યો હતો.

એના શૂટર્સ ધર્મેશ અને સમાધાન ઉર્ફે આનંદ ફરાર હતા. તેમને પકડવા જરૂરી હતા. કારણ કે, અનિલની ગેરહાજરીમાં પણ ગુના થઈ રહ્યા હોવાની જાણકારી પોલીસને હતી. આ બધા વચ્ચે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને ધર્મેશ અને સમાધાન ઉર્ફે આનંદની જાણકારી મળી કે, તેઓ રાજકોટ તરફ આવી રહ્યા છે. ચોક્કસ બાતમીને આધારે ટીમો કામે વળગી અને બંને ઝડપાઇ ગયા.

અનિલ કાઠી ગેંગ મોટા કારનામા કરે અને સામ્રાજ્ય જમાવે એ કોઈ રીતે ગુજરાત પોલીસને પાલવે નહીં. અનિલ પહેલાં પણ કેટલાંક હિસ્ટ્રીશિટર્સે માફિયા બનવા પ્રયત્નો કર્યા છે.

મુકેશ હરજાણી – ફાઇલ તસવીર

1. મુકેશ હરજાણીઃ
મુકેશ હરજાણી મધ્ય ગુજરાતમાં આતંકનો પર્યાય બન્યો હતો. પોલીસ પ્રોટેક્શન હોવા છતાંય વ્યક્તિનું અપહરણ કરી દોઢ કરોડની ખંડણી માંગી હતી. જો કે, વડોદરા જેલ બાહર આવ્યા બાદ એના જ ઓળખીતા સિંધીએ એની હત્યા કરી દીધી હતી.

વિશાલ ગોસ્વામી – ફાઇલ તસવીર

2. વિશાલ ગોસ્વામીઃ
વિશાલ ગોસ્વામીનો આતંક જબરદસ્ત હતો. જ્વેલર્સ પાસે ખંડણી માંગવી અને ના આપે તો હત્યા કરી દેવી. જેથી વિશાલનો ડર ગુજરાતના વેપારી આલમમાં જોવા મળતો હતો. જો કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને જબરદસ્ત ઓપરેશન કરી પકડ્યો હતો. તેની ધરપકડ સમયે એને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ઉપર ફાયરિંગ કરી દીધું હતું. પરંતુ બીજા અધિકારીઓ એલર્ટ હોવાના કારણે ફાયરિંગ મિસ થયું હતું. 2015થી વિશાલ સાબરમતી જેલમાં કેદ છે.

જયેશ પટેલ – ફાઇલ તસવીર

3. જયેશ પટેલઃ
જયેશ પટેલ જામનગર અને સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય ઊભું કરવા માંગતો હતો. જમીનો પર ગેરકાયદે કબજો કરવો અને સેટલમેન્ટમાં પૈસા માંગવા એ એનો મુખ્ય ધંધો બની ગયો હતો. કોઈ ન માને તો ફાયરિંગ કરાવતો. જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી તેણે ડર ઊભો કર્યો હતો. જો કે, ગુજરાત સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો અને પોલીસ અધિકારીઓએ એની આખી ગેંગ ખતમ કરી નાંખી.

અરવિંદ બીકા – ફાઇલ તસવીર

4. અરવિંદ બીકાઃ
અરવિંદ બિકાથી રાજસ્થાન અને ગુજરાત પોલીસ થાકી ગઈ હતી. અમદાવાદ ક્રાઈમની ટીમો પકડવા ગઈ ત્યારે ટીમ પર અને પોલીસ પર ફાયરિંગ કરી ભાગી છૂટ્યો હતો. જો કે, એની દોડ લાંબી રહી નહીં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની જ્યારે ATS બદલી થઈ તો બદલો લેવાઈ ગયો. અરવિંદ બીકાની ધરપકડ બાદ તેનું સામ્રાજ્ય ધ્વસ્ત કરી દેવાયું.

આ એવા ગેંગસ્ટર્સ છે જે પોલીસને સરેઆમ પડકારતા હતા. પોલીસનો એમને ડર નહોતો. જો કે, ગુજરાત પોલીસે એમની એવી તો કમર તોડી નાંખી કે આજ સુધી ઊભા નથી થઈ શક્યા. બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ સારી છે એનો શ્રેય ગુજરાત પોલીસના બાહોશ અધિકારીઓને જાય છે.