March 2, 2025

PM નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ મંદિર પરિસરનો જેટ ઝડપે વિકાસ

સોમનાથ: વિશ્વભરના ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ વિકાસ થયો છે. તો યાત્રી સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં રચાયો છે. સોમનાથની ભૂમિ હરિ અને હરની ભૂમિ સાર્થક થઈ છે. આ બધું ઝડપી શક્ય બન્યું છે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે.

ગીર સોમનાથ જિલ્લો ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને કારણે વિશ્વ વિખ્યાત બન્યો છે. ગિરનું જંગલ અને સોમનાથ મહાદેવના સમન્વયથી જ આ જિલ્લાનું નામ ‘ગીર સોમનાથ’ પડ્યું છે. ત્યારે સોમનાથ મંદિર પરિસરમાં છેલ્લા દાયકામાં ખૂબ જ વિકાસ થયો છે. આ વિકાસ ગાથા અવિરત પણે વહેતી રહી છે. આદિ અનાદિ કાળથી અહીં ભગવાન સોમનાથ સાક્ષાત બિરાજે છે. ચંદ્રએ અહીં સુવર્ણનું મંદિર, ભગવાન કૃષ્ણે કાષ્ટનું મંદિર એમ અલગ અલગ સમયે કાળ અનુસાર વિવિધ મંદિર નિર્માણ પામ્યા હતા. વિધર્મી આતતાયીઓ દ્વારા સોમનાથ પર અતિક્રમણ અને આક્રમણ પણ થયા, પરંતુ આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની ધ્વજા લહેરાવતું અખંડ ઉભું છે.

1951માં ભારતનાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ લેવાયો અને તે પૂર્ણ પણ થયો. ત્યારથી લઈને આજ દિન સુધી સોમનાથ મંદિર પરિસરનો સતત વિકાસ થતો રહ્યો છે. દિન પ્રતિદિન સોમનાથ દર્શન માટે ભાવિકોનો પ્રવાહ અવિરત વધી રહ્યો છે ત્યારે યાત્રી સુવિધામાં વધારો કરવું આવશ્યક બન્યું હતું. વર્તમાન સમયમાં દેશ વિદેશથી દરરોજ હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શને આવે છે. કોઈ વ્યક્તિ પાસે કદાચ ખિસ્સામાં એક રૂપિયો પણ ન હોય તો પણ ભાવપૂર્વક અને સરળતાથી દાદા સોમનાથના દર્શન કરી ધન્ય બને છે. ભગવાન સોમનાથના ચરણોમાં ગરીબ તવંગર સૌ સરખા છે. સોમનાથ મંદિર પરિસર સુંદર અને સ્વચ્છ છે. કોઈપણ ઋતુમાં યાત્રીઓને કોઈ અગવડ ન પડે તેની ખાસ કાળજી અહીં લેવામાં આવે છે. ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથની વિકાસ યાત્રાએ અટકવાનું નામ જ લીધું નથી.

સોમનાથમાં પ્રાર્થના, પૂજા, પુણ્ય અને પ્રસાદનું અનેરૂ આયોજન છે. દિવ્યાંગો અને વૃદ્ધોએ કતારમાં ઉભવું પડતું નથી. સ્વાગત કક્ષ ખાતેથીજ ગોલ્ફ કાર્ટ અને વ્હીલ ચેરની સુવિધા ઉપલબ્ધ હોય છે. તેમાં છેક મંદિર સુધી લઈ જવામાં આવે છે અને લિફ્ટ વડે ભગવાન સોમનાથ સન્મુખ દર્શન માટે પહોંચી શકાય છે. ખોટી બીડ-ભાડ અને ધક્કા મુક્કી અહીં જોવા મળતા નથી તો ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા પણ યાત્રીઓ સાથે ખૂબ જ સૌમ્ય વર્તન કરી માર્ગદર્શન આપવામાં આવે છે. યાત્રીઓના જુતા અને માલસામાન સાચવવા માટે જુતા બોક્સ અને લોકરની સુવિધા પણ અહીં નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દાદા સોમનાથના દર્શને આવેલ યાત્રી પ્રથમ જ્યોતિર્લિંગના શાંતિપૂર્ણ વાતાવરણમાં સહજ દર્શન કરી આનંદની અનુભૂતિ વ્યક્ત કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથ મંદિર પરિસરનો જેટ ઝડપે વિકાસ થયો છે. જેમાં રત્નાકર સમુદ્ર કિનારે યાત્રીઓ માટે વોક વે, યાત્રીઓની જરૂરિયાત મુજબના અતિથિ ગૃહ, ભોજનાલય, મારુતિ બીચ, સુવિધાયુક્ત પાર્કિંગ, સોમનાથનો વારસો સાચવીને બેઠેલું મ્યુઝિયમ, સામાન ઘર, જુતા ઘર, સફાઈ, દરેક તહેવારો તેમજ ઉત્સવોની ઉજવણી, ત્રિવેણી ઘાટ, ગૌલોકધામ મંદિર, રામ મંદિર મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શન તેમજ ગંગાજળ અભિષેકનો લાભ. સંકીર્તન ભવન ભક્તોની પ્રિય ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા, સોમેશ્વર મહાપૂજા તેમજ મહાશિવરાત્રી તથા શ્રાવણ માસ દરમ્યાન માત્ર રૂ.25માં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને પોષ્ટ મારફત ભસ્મ, રુદ્રાક્ષ અને નમન મોકલવાની વ્યવસ્થા પણ અહીં ગોઠવવામાં આવી છે. તેમજ અલગ-અલગ સુવિધાઓ તરફ દોરી જતા વિવિધ રંગોના પટ્ટા યાત્રીઓને માર્ગદર્શ કરી રહ્યા છે.

ઉનાળામાં આકરા તાપથી બચવા સફેદ કલરના સ્પેશિયલ કાપડમાંથી બનાવવામાં આવેલા પેગોડા પણ અહીં છેક મંદિર સુધી લગાવવામાં આવ્યા છે. યાત્રીઓના માર્ગદર્શન અને સુવિધા માટે કાયમી ધોરણે સ્વાગત કક્ષ પણ છે. મંદિર પરિસરમાં નિયમિત સફાઈ તો થાય જ છે, પરંતુ તહેવારો અને ઉત્સવો દરમ્યાન સફાઈ માટેની અલાયદી સ્ટ્રાઇકિંગ ફોર્સ પણ રચવામાં આવી છે. જેનો સંપર્ક કરતા તરત સફાઈ કરવામાં મદદ મળે છે. આગામી સમયમાં નૂતન પાર્વતી મંદિર પણ અહીં બનવા જઈ રહ્યું છે, તો પ્રધાનમંત્રીના સ્વપ્ન સમો વૈશ્વિક કક્ષાનો સોમનાથ કોરિડોર પણ નિર્માણ પામશે. આમ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિને કારણે સોમનાથ મંદિર અને પરિસર સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.