વિજય વિના વિદાય….! મેઘરાજાને કારણે મૅચ ન રમાતાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ‘OUT’

Pakistan Cricket Team: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાની ટીમ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછું રહ્યું નથી. પાકિસ્તાની ટીમનું સપનું આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીત્યા વિના સમાપ્ત થયું છે. પહેલી મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું. આ પછી ભારતે તેમને 6 વિકેટથી હરાવ્યું અને હવે વરસાદના કારણે તેની મેચ બાંગ્લાદેશ સામે રમાઈ શકી નથી. આ સાથે, પાકિસ્તાની ટીમ ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી.

બાંગ્લાદેશ 27 ફેબ્રુઆરી (ગુરુવાર)ના રોજ પાકિસ્તાન સામે ટકરાવવાનું હતું. જોકે, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આ મેચ વરસાદને કારણે થઈ શકી નહીં. મેચ રદ થવાને કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશને એક-એક પોઈન્ટ મળ્યો હતો. બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમિફાઇનલની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગઈ હતી. 

બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન કરતા આગળ
પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે સિવાય આ ગ્રુપમાં ભારત, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ સામેલ હતી. આ ગ્રૂપમાંથી ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયા છે. જ્યારે ગ્રુપ A માં, પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને પાસે 3-3 મેચ બાદ એક-એક પોઈન્ટ છે, પરંતુ બાંગ્લાદેશ ટીમનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા વધારે છે. આ કારણે બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને પાકિસ્તાનની ટીમ ચોથા સ્થાને છે. એનો અર્થ એ કે પાકિસ્તાની ટીમ છેલ્લા સ્થાને છે. બાંગ્લાદેશનો નેટ રન રેટ માઈનસ 0.443 છે. જ્યારે પાકિસ્તાનનો નેટ રન રેટ માઈનસ 1.087 છે. પરંતુ બંને ટીમો ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતી શકી નથી.

પાકિસ્તાને એકવાર ટાઇટલ જીત્યું હતું
પાકિસ્તાની ટીમે અત્યાર સુધીમાં ફક્ત એક જ વાર ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. તેણે સરફરાઝ અહેમદની કેપ્ટનશીપમાં ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2017નો ખિતાબ જીત્યો. ત્યારબાદ પાકિસ્તાની ટીમ 180 રનથી જીતી ગઈ હતી.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ – બન્ને ટીમો

  • પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઈદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરિસ રૌફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.
  • બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તનઝીદ હસન, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, મોહમ્મદ મહમુદુલ્લાહ, ઝાકર અલી અનિક, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઇમોન, નસુમ અહેમદ, તનઝીમ હસન સાકિબ, નાહિદ રાણા.