February 25, 2025

દિલ્હી વિધાનસભામાં LGના ભાષણ દરમિયાન હોબાળો, આતિશી સહિત વિપક્ષી ધારાસભ્યો 1 દિવસ માટે સસ્પેન્ડ

દિલ્હી વિધાનસભા: દિલ્હી વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધન દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. સંબોધન શરૂ થતાંની સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને મંત્રીઓના કાર્યાલયોમાંથી ભીમરાવ આંબેડકરનો ફોટો હટાવવા મામલે વિરોધ શરૂ કર્યો હતો. જેથી વિધાનસભા અધ્યક્ષે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોને આખા દિવસ માટે ગૃહમાંથી હાંકી કાઢ્યા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય આતિશીને આખા દિવસ માટે ગૃહમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

દિલ્હી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી નેતા આતિશી સહિત AAP ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ વિરોધ પક્ષના નેતા આતિશી સહિત 11 AAP ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી અને દિલ્હીના વિપક્ષી નેતા આતિશીએ કહ્યું, “ભાજપે મુખ્યમંત્રી કાર્યાલયમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ફોટાની જગ્યાએ PM નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી દીધો છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે શું PM નરેન્દ્ર મોદી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર કરતાં મોટા છે? શું તેઓ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું સ્થાન લઈ શકે છે? AAPએ આનો વિરોધ કર્યો અને જ્યાં સુધી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો ફોટો પાછો તેની જગ્યાએ નહીં લગાવવામાં આવે ત્યાં સુધી અમે ગૃહથી રસ્તાઓ સુધી તેનો વિરોધ ચાલુ રાખીશું.”

આતિશીએ કહ્યું કે, જ્યારે AAP ધારાસભ્યોએ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા ત્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે ભાજપના ધારાસભ્યોએ PM મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા ત્યારે તેઓએ કંઈ કહ્યું નહીં, જેનો અર્થ એ છે કે ભાજપ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને નફરત કરે છે…”

એલજીએ ગૃહમાં કહ્યું કે આવક વધારવી એ સરકારની પ્રાથમિકતા છે. યમુનાની સફાઈ અને વાયુ પ્રદૂષણ માટે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની યોજનાઓ અમલમાં મૂકશે. દિલ્હીને સૌથી સ્વચ્છ શહેર અને સ્વચ્છતા રેન્કિંગમાં પ્રથમ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ, સબકા સન્માન’ મારી સરકારની દિશા નક્કી કરશે, મારી સરકાર લોકોની વધતી જતી અપેક્ષાઓ અને આકાંક્ષાઓથી સંપૂર્ણપણે વાકેફ છે. સરકાર આ 10 ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપશે – ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ, મહિલા સશક્તિકરણ, ગરીબોનું કલ્યાણ, આરોગ્ય સેવાઓમાં સુધારો, સારું શિક્ષણ મોડેલ, વિશ્વસ્તરીય રસ્તાઓ, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત દિલ્હી, સ્વચ્છ યમુના, સ્વચ્છ પાણી અને અનધિકૃત વસાહતોનું નિયમિતકરણ.

લેફ્ટનન્ટ ગવર્નરે ભાજપ સરકારની ભાવિ યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને પાછલી આમ આદમી પાર્ટી સરકારની નિષ્ફળતાઓની પણ ચર્ચા કરી. ઉપરાજ્યપાલના સંબોધન દરમિયાન ભાજપના ધારાસભ્યો ‘મોદી-મોદી’ના નારા લગાવતા જોવા મળ્યા.