February 25, 2025

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો, વેપારીઓને ફાયદો

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢમાં વર્ષમાં બે વખત મોટા ધાર્મિક ઉત્સવ યોજાઈ છે. મહાશિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા. આ બંને ધાર્મિક ઉત્સવો ગરવા ગિરનારની ગોદમાં યોજાઈ છે અને તેના કારણે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે. જૂનાગઢના સ્થાનિક વેપારીઓને તેનો ફાયદો મળે છે. હાલ મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક વેપાર ધંધામાં મોટો ઉછાળો આવ્યો છે. નાના મોટા વેપારીઓને સારી એવી કમાણી થઈ રહી છે. મહાશિવરાત્રીનો મેળો એક ધાર્મિક ઉત્સવ છે અને અહીં આવનાર ભાવિકોની સેવા માટે ઉતારા અને અન્નક્ષેત્ર સતત ચોવીસ કલાક ધમધમતા રહે છે. જેની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર પડે છે.

જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં યોજાતા પરંપરાગત મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. મહાશિવરાત્રીના મેળામાં અંદાજે 10 લાખ ભાવિકો આવતાં હોય છે. મેળા દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ દ્વારા ઉતારામાં રહેવાની અને અન્નક્ષેત્રમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. એક અંદાજ મુજબ 250 જેટલા નાના મોટા ઉતારા અને અન્નક્ષેત્ર કાર્યરત હોય છે. સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી માત્ર સેવાના ઉદેશ્ય સાથે ઉતારા અને અન્નક્ષેત્ર કાર્યરત રહે છે. આ સમગ્ર વ્યવસ્થા માટે જરૂરી રાશન એટલે કે તેલ, અનાજ, મસાલા સહિતની ખાણીપીણીની ચીજવસ્તુઓની ખરીદી મોટા પાયે થાય છે, જે ખરીદી સ્થાનિક દાણાપીઠમાંથી થાય છે એટલે તેની સીધી અસર જૂનાગઢના સ્થાનિક અર્થતંત્ર પર પડે છે અને એક બમ્પર ઉછાળો જોવા મળે છે.

એક અન્નક્ષેત્રમાં ખાદ્ય ચીજવસ્તુઓનો સરેરાશ વપરાશ

  • શુધ્ધ ઘી – 25 ડબ્બા
  • તેલ – 150 ડબ્બા
  • ખાંડ – 25 કટ્ટા
  • ઘઉનો લોટ – 100 કટ્ટા
  • વેસણ – 100 કટ્ટા
  • દાળ / ચોખા – 100 કટ્ટા
  • મસાલા / તેજાના / નમક વગેરે – 300 કિલો
  • શાકભાજી – 10,000 કીલો
  • દૂધ – 5000 લીટર

અન્નક્ષેત્રોને પાંચ દિવસ દરમિયાન જૂનાગઢના અર્થતંત્રમાં રૂ.50 કરોડથી વધુનો ઉછાળો આવે છે. જીવન જરૂરી ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, અનાજ, કરિયાણું અને શાકભાજીની બજારમાં તો ઉછાળો આવે જ છે આ ઉપરાંત અન્ય ખાણીપીણી, ચા, નાસ્તો, ઠંડા પીણાં જેવા ધંધામાં પણ તેજી આવે છે જેનો નાના વેપારીઓને ફાયદો થાય છે આમ જ્યારે ભવનાથમાં કોઈ ધાર્મિક ઉત્સવ હોય ત્યારે તેનો જૂનાગઢના વેપારીઓને ફાયદો થાય છે.

ધાર્મિક ઉત્સવોનો સ્થાનિક અર્થતંત્રને ફાયદો થતો હોય તેવું જીવંત ઉદાહરણ છે. હાલમાં ચાલી રહેલા પ્રયાગરાજ ખાતેનો મહાકુંભ મેળો કે જ્યાં તંત્રની ધારણાથી વધુ ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી અને તેનો સીધો ફાયદો સ્થાનિક અર્થતંત્રને મળ્યો. આપણાં દેશમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવોમાં સરકારની, સ્થાનિક વહીવટી તંત્રની સક્રિયતાને કારણે એક સુચારુ વ્યવસ્થા ઉભી થાય છે અને ખરીદી, ટ્રાન્સપોર્ટથી માંડીને તમામ ક્ષેત્રે સ્થાનિક અર્થતંત્ર ધમધમી ઉઠે છે અને ધાર્મિક ઉત્સવો અર્થતંત્રને વેગવંતુ કરવાનું માધ્યમ બને છે.