કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

Tribal Community of Dang District: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાત ભવન, નવી દિલ્હી ખાતે ગુજરાતના ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના ગ્રામીણ અને આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી શૈક્ષણિક સંવાદ કર્યો હતો. આ પહેલ યુવાનો સાથે સીધો સંપર્ક કરવા અને પ્રોત્સાહિત કરવાની કેન્દ્રીય ગૃહમંત્રીની પ્રતિબદ્ધતાનો એક ભાગ રૂપે યોજાયો હતો. આ કાર્યક્રમ ગ્રામીણ અને આદિવાસી સમુદાયના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થવાની સાથે દેશના ગૃહમંત્રી સાથે ખુલ્લા મનથી વાર્તાલાપ કરવાની તક પણ મળી હતી. આ પ્રસંગે ગુજરાત ભવનના નિવાસી કમિશ્નર ડો.વિક્રાંત પાંડે અને સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર (ડાંગ)ના સ્થાપક અને સચિવ શ્રી પી.પી. સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અમિત શાહે શિક્ષણ, યુવા સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં વિદ્યાર્થીઓની ભૂમિકા વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સંવાદનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેમના શૈક્ષણિક અને કારકિર્દી સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરવાનો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપતા અમિત શાહે સખત મહેનત, સમર્પણ અને નિશ્ચયના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વધુમાં અમિત શાહે કહ્યું, આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી હોય કે દ્રૌપદી મુર્મુજીને ભારતના રાષ્ટ્રપતિ તરીકે પ્દોન્નીત કરવામાં આવે, આ નિર્ણયોએ આદિવાસી સમાજનું ગૌરવ એક નવા શિખરે પહોંચાડ્યું છે. આદિવાસી સમાજનું ઉત્થાન અને સશક્તિકરણ કેન્દ્રની ભાજપ સરકારની પ્રાથમિકતા છે. આઝાદી પછી મોદીજીએ આદિવાસી સમુદાયને ખરું સન્માન આપવાનું કામ કર્યું છે.
શાહે કહ્યું, “વિદ્યાર્થીઓ દેશની પ્રગતિનો પાયો છે, અને તેમની મહેનત અને સમર્પણ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.” વિદ્યાર્થીઓને ડોકટરો, એન્જિનિયર્સ અને સિવિલ સર્વન્ટ્સ જેવી કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપતાં તેમણે કહ્યું કે, “જો તમે દેશના વિકાસને તમારું ધ્યેય બનાવશો તો સ્વાભાવિક રીતે તમારો વ્યક્તિગત વિકાસ સુનિશ્ચિત થશે. તેથી તમારો મૂળ ઉદ્દેશ્ય દેશના વિકાસ માટે કામ કરવાનો હોવો જોઈએ.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, મોદીજીના નેતૃત્વમાં ભાજપા સરકાર 50%થી વધુ ST વસ્તી અને ઓછામાં ઓછા 20 હજાર આદિવાસી વ્યક્તિઓવાળા દરેક બ્લોકમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની સ્થાપના કરીને આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આદિવાસી વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણમાં માતૃભાષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ નિર્ણયોએ આદિવાસી વિદ્યાર્થીઓને નવી આશા આપી છે. આઝાદી પછીના છ દાયકામાં દેશમાં માત્ર એક જ સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી હતી, જ્યારે છેલ્લા દાયકામાં અમારી સરકારે 2 નવી ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરી.
વિદ્યાર્થીઓએ શિક્ષણ અને કારકિર્દી અંગેના તેમના વિચારો અમિત શાહ પાસે વ્યક્ત કર્યા હતા. અમીત શાહે વિદ્યાર્થીઓને દેશની પ્રગતિમાં તેઓ કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે સૂચનો પણ આપ્યા હતા.
અમિત શાહે વિદ્યાર્થીઓને સખત મહેનત અને પ્રમાણિકતા સાથે તેમના લક્ષ્યો તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે “રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમની સફળતા ભારતને અગ્રેસર બનાવવામાં મદદ કરશે”.