February 22, 2025

CAG રિપોર્ટ રજૂ થતા કેજરીવાલ ફરી મુશ્કેલીમાં મુકાશે, AAP સરકારમાં ભ્રષ્ટાચારના ખુલ્લા પડશે

નવી દિલ્હી: દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતાની સાથે જ CM રેખા શર્મા એક્શનમાં આવી ગયા છે. તેમણે પહેલા દિવસથી જ જનતાના હિતમાં નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. હવે નવી રચાયેલી દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર સોમવારથી શરૂ થશે. જેમાં પેન્ડિંગ CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે. વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે.

શિવરાત્રી પછી ગૃહમાં રજૂ કરાશે CAG રિપોર્ટ
વિધાનસભાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સત્ર 24, 25, 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે. આમ આદમી પાર્ટી સરકારના પ્રદર્શન સંબંધિત 14 પેન્ડિંગ CAG (કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ) અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો 24-25 ફેબ્રુઆરીએ શપથ લેશે અને ભારતીય જનતા પાર્ટી સરકાર 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીની રજા પછી CAG રિપોર્ટ રજૂ કરશે.

ભ્રષ્ટાચાર છુપાવવા માટે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ન હતો – ભાજપ
નોંધનીય છે કે અગાઉ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના શાસન દરમિયાન ભાજપે કોર્ટમાં અપીલ કરી હતી કે સરકારને CAG રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે. ભાજપે AAP સરકાર પર પોતાના ‘ભ્રષ્ટાચાર’ છુપાવવા માટે રિપોર્ટ રોકી રાખવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપ સરકાર કેજરીવાલને ઘેરશે
આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે દિલ્હીમાં નવી સરકાર બનાવી છે. વિધાનસભામાં તેના 48 ધારાસભ્યો છે, જ્યારે વિપક્ષ આમ આદમી પાર્ટી પાસે 22 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે 27 વર્ષ પછી સત્તામાં પરત ફરેલી ભાજપ સરકાર ભ્રષ્ટાચારના મુદ્દા પર અરવિંદ કેજરીવાલને જોરદાર ઘેરશે. પાછલી AAP સરકારના ઘણા મંત્રીઓ પણ આમાં સામેલ થઈ શકે છે.