બનાસકાંઠાની ગ્રામ પંચાયતોમાં સર્વર ઠપ, ત્રણ દિવસથી રજિસ્ટ્રેશન બંધ; ખેડૂતોમાં આક્રોશ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ સરકારે ટેકાના ભાવે રાયડાની ખરીદીની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ હવે ખેડૂતો અટવાયા છે. કારણ કે, સર્વર બંધ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી રાયડાની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન થઈ શકતું નથી. ત્યારે ગ્રામ પંચાયતોના માથે આ જવાબદારી છે અને ગ્રામ પંચાયતોના વીસીઇનું પણ કહેવું છે કે, 18 તારીખથી ખરીદીનું રજિસ્ટ્રેશન તો શરૂ થયું છે. પરંતુ સર્વર ઠપ હોવાથી એક પણ ખેડૂતનું રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી. આ તરફ ખેડૂતો આક્રોશ સાથે કહી રહ્યા છે કે, મુદત ઓછી છે અને રજિસ્ટ્રેશન ન થતા ગ્રામ પંચાયતોની બહાર ખેડૂતોની કતારો લાગી છે.
સરકારના ટેકાના ભાવની ખરીદીમાં મગફળી હોય કે અન્ય કોઈ વસ્તુ હોય જેમાં ધાંધિયા ન થાય તો એ ટેકાના ભાવની ખરીદી ન કહેવાય. મગફળીની પણ આ પ્રકારે પરિસ્થિતિ રહી હતી, તેને કારણે ખેડૂતોને હાલાકી પડી હતી. હવે રાયડાની ખરીદી ટેકાના ભાવે થવાની છે, તેમાં ગ્રામ પંચાયતોમાં ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સર્વર જ બંધ છે અને જેને લીધે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઇ શકતું નથી.
ખેડૂતો રોજબરોજ ગ્રામ પંચાયતના ધક્કા ખાય છે અને ગ્રામ પંચાયત બહાર કતારો લાગીને ઊભા રહે છે. એક તરફ રાયડાના લણવાની સિઝન છે, તો બીજી તરફ ખેડૂત રાયડો લણવાને બદલે અહીંયા લાઈનમાં ઊભા રહે છે. જેનો ખેડૂતોમાં આક્રોશ છે. ત્યારે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રજિસ્ટ્રેશન થવાનું છે પરંતુ સર્વર બંધ છે ત્યાં રજીસ્ટ્રેશન કયા પ્રકારે થશે.
ટેકાના ભાવની ખરીદી માટે રજિસ્ટ્રેશનની જવાબદારી ગ્રામ પંચાયતોને આપી છે. દરેક ગ્રામ પંચાયતમાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે તે હેતુથી ગ્રામ પંચાયતના રજિસ્ટ્રેશન કરે છે. પરંતુ વીસી પણ કબૂલે છે કે, આ સર્વર ઠપ હોવાને કારણે ખેડૂતો રોજ આવે છે અને ધક્કા ખાય છે. ત્યારે હવે માગ ઉઠી છે કે જેની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન થવાનું છે તે સર્વર કાર્યરત થાય તો જ ખેડૂતોને આનો લાભ મળી શકશે.