February 23, 2025

સુરતમાં બ્લેકમેઇલ કરી લાંચ લેતા NSUIના 5 હોદ્દેદારોની ધરપકડ, બે વોન્ટેડ જાહેર

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં NSUIના હોદ્દેદારો શૈક્ષણિક સંસ્થાને બ્લેકમેઇલ કરીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. સારોલી પોલીસ દ્વારા સુરત શહેર NSUI પ્રમુખ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે.

સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી તેમના સંચાલકો પાસેથી NSUIના કાર્યકર્તાઓ દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હોવાનો એક મામલો સામે આવ્યો છે.

1 જાન્યુઆરી 2025થી સુરત એનએસયુઆઈના પ્રમુખ ધીરેન્દ્ર સિંહ સોલંકી અને તેમની સાથે પ્રીત ચાવડા, રવિ પૂંછડીયા, મિતેશ હડીયા, તુષાર મકવાણા, અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીએ સાથે મળીને રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સામે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હોવાના સવાલો ઉભા કર્યા હતા.

આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ અલગ અલગ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન તેમજ ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ અને એડિટેક આ ત્રણેય સંસ્થાઓ ખોટી રીતે વિદ્યાર્થીઓને માર્કશીટ બનાવે છે. આ પ્રકારના આક્ષેપો કરી ત્રણેય સંસ્થાઓને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અલગ અલગ રિલ અને પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. સંસ્થા વિરુદ્ધ આ પ્રકારનો પ્રચાર નહીં કરવા માટે અને સંસ્થાના સંચાલકોને ફસાવી 10 વર્ષ સુધીની જેલ કરાવી દઈ ધંધાને તાળા મરાવવાની ધમકી આપીને એક કરોડ રૂપિયા પતાવટ માટે માગવામાં આવ્યા હતા.

ત્યારબાદ ધીરેન્દ્રસિંહ સોલંકી અને પ્રીત ચાવડાએ આ સંસ્થા પાસેથી દોઢ લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા અને 60 લાખ રૂપિયામાં સમાધાન થશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ 60 લાખમાંથી 5 લાખ રૂપિયાની રકમ આપવા માટે સંચાલકોને કહ્યું હતું. જો કે, સંચાલકોએ આ સમગ્ર ઘટનાની જાણ સારોલી પોલીસને કરી હતી. ત્યારબાદ સારોલી પોલીસ દ્વારા સુરત શહેર NSUI પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, રવિ પૂંછડિયા, પ્રીત ચાવડા, મિતેશ હડિયા, તુષાર મકવાણાની પાંચ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ ઉપરાંત અભિષેક ચૌહાણ તેમજ કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે.