‘લૂંટાયેલા હથિયારો 7 દિવસમાં સોંપી દો’, રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં જ મણિપુરના રાજ્યપાલનું અલ્ટીમેટમ

Manipur Governor: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યા પછી, રાજ્યપાલ અજય ભલ્લાએ આજે ઉપદ્રવીઓને અલ્ટીમેટમ આપ્યું. તેમણે તમામ સમુદાયના લોકોને ચેતવણી આપી છે કે 7 દિવસની અંદર લૂંટાયેલા અને ગેરકાયદેસર હથિયારો સોંપી દે. નોંધનીય છે કે, મે 2023થી મણિપુરમાં હિંસા ચાલુ છે. તાજેતરમાં જ મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે લાંબા સમયથી રાજ્યમાં હિંસા પર કાબૂ ન મેળવી શકતાં રાજીનામું આપી દીધું હતું. આ પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.

મણિપુરના રાજ્યપાલે શું કહ્યું?
મણિપુરના રાજ્યપાલે એક નિવેદન જારી કરીને કહ્યું કે, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને અસર કરતી કમનસીબ ઘટનાઓથી છેલ્લા 20 મહિનાથી, મણિપુરના ઘાટી અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હું બધા સમુદાયોના લોકોને, ખાસ કરીને ઘાટી અને પહાડીઓના યુવાનોને અપીલ કરું છું કે, તેમણે સ્વેચ્છાએ આગળ આવીને લૂંટાયેલા અને ગેરકાયદેસર રીતે રાખેલા હથિયારો અને દારૂગોળો આજથી આગામી સાત દિવસની અંદર નજીકના પોલીસ સ્ટેશન, ચોકી અથવા સુરક્ષા દળના કેમ્પમાં સોંપી દે. તેમણે કહ્યું કે, આ હથિયારો પરત કરવાનું પગલું શાંતિ સુનિશ્ચિત કરવા માટે એક શક્તિશાળી સંકેત હોઈ શકે છે.

જો આદેશનું પાલન નહીં થાય તો પગલાં લેવામાં આવશે
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ કહ્યું, હું તમને ખાતરી આપવા માંગુ છું કે જો આવા શસ્ત્રો નિર્ધારિત સમયમર્યાદામાં પરત કરવામાં આવશે, તો કોઈ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવશે નહીં. જો આ પછી કોઈની પાસે આવા હથિયારો મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મણિપુરમાં કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચેના તણાવ બાદ મે 2023 માં હિંસા શરૂ થઈ હતી. ત્યારથી, રાજ્યમાં હિંસા ચાલુ છે. જેમાં સેંકડો લોકોનાં મોત થયા છે. આટલું જ નહીં, હિંસા દરમિયાન બદમાશોએ હજારો ઘરોને આગ લગાવીને તબાહ કરી નાખ્યા. જેમાં અનેક ધારાસભ્યો, મંત્રીઓ અને નામચીન હસ્તીઓના ઘર પણ સામેલ છે.