Gujarat Budget 2025: નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં રજૂ કર્યું 3,70,250 કરોડનું બજેટ

Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. તેમણે વર્ષ 2025-26 માટે 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં તાજેતરમાં બનાવવામાં આવેલી 9 મહાનગરપાલિકા માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત મહિલા, યુવાન અને ખેડૂત માટે પણ મોટી જાહેરાત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Live Updates:
- મહિલાઓની આત્મનિર્ભરતા માટે ‘સખી સાહસ યોજના’ની જાહેરાત; સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા 100 કરોડની જોગવાઈ.
- ખેડૂતો માટે કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, હાલોલમાં મેગા ફૂડ પાર્ક સ્થપાશે.
- જામનગરમાં નવી કૃષિ કોલેજ તો થરાદમાં કૃષિ ઈજનેરી કોલેજ શરૂ કરાશે.
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 362 કરોડની જોગવાઈ.
- પ્રવાસનના 150 રસ્તાઓને પહોળા અને રીસરફેસ કરવા માટે 2637 કરોડની જોગવાઈ.
- ખેડૂતોને ટ્રેકટરની ખરીદી સહાયમાં વધારો કરી હવેથી 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત.
- વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા 1612 કરોડની જાહેરાત.
- રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રૂપિયા 400 કરોડની જાહેરાત.
- ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક્સપ્રેસ-વે બનશે.
- ડીસાથી પીપાવાવ સુધી ‘નમોશક્તિ એક્સપ્રેસ-વે’ અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે વિકસાવાશે.
- પ્રવાસન વિભાગનું બજેટ 31 ટકા વધારી રૂપિયા 6505 કરોડની ફાળવણી.
- 4 નવી એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ શરૂ થશે; ડોલવણ, ખેરગામ, નેત્રંગ, સંજેલીમાં આ સ્કૂલ શરૂ કરવામાં આવશે.
- પોલીસ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત, આગામી દિવસોમાં 14 હજારથી વધુ ભરતી કરવામાં આવશે.
- ગુજરાતના 5.14 લાખ પેન્શનર્સને કચેરી કે બેન્કમાં જવાની જરૂર નથી, પેન્શનર્સની ખરાઈ ઘરઆંગણે જ કરવામાં આવશે.
- વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા 4827 કરોડની ફાળવણી, 81 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.
- ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાનો અમારો સંકલ્પઃ નાણામંત્રી
- મેન્યુફેક્ચરિંગ પાર્ક અને ટેક્સટાઇલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન થશે.
- ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ નીતિ અંતર્ગત 50 હજારથી વધુ રોજગારીનું સર્જન કરવામાં આવશે.
- રાજ્યના અન્ય વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર રીજિયનમાં i-Hubની સ્થાપના કરવામાં આવશે.
- અમદાવાદના i-Hub અને i-Createથી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઈ છે.
- 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને વાર્ષિક 12 હજારની સહાય, ‘સંત સુરદાસ યોજના’ હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને લાભ મળશે.
- આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ‘ન્યૂ ગુજરાત પેટર્ન યોજના’ માટે 1100 કરોડની જાહેરાત, આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે.
- SC, ST અને OBC વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય આપવામાં આવશે.
- આ બેંકેબલ યોજનામાં 10 લાખ સુધીની લોન પર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે.
- 72 તાલુકાઓમાં ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ માટે 551 કરોડની જાહેરાત.
- સ્વૈચ્છિક સંસ્થાની મદદથી તાલુકાઓમાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવાનું લક્ષ્ય.
- આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જાહેરાત, ‘મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના’ માટે 200 કરોડ રૂપિયાની કરી જાહેરાત.
- ‘પઢાઈ ભી પોષણ ભી’ યોજના માટે 617 કરોડની જોગવાઈ; 32,277 શાળાઓનાં 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે.
- પોષણલક્ષી યોજના માટે રૂ. 8200 કરોડની ફાળવણી
- આવાસ યોજનામાં મકાન દીઠ સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો, હવેથી 1.70 લાખ સહાય મળશે.
2024-25માં 3,32,465 કરોડનું બજેટ રજૂ થયું હતું
ગત ફાઇનાન્સિયલ વર્ષમાં નાણામંત્રી કનુ દેસાઈએ 3.32 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. તેમાં મહિલા, કિશોરી, કુપોષણ અને શિક્ષણ જેવા ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે યુવાને, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને ધ્યાને રાખીને બજેટમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.