Delhi CM: દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા કોણ છે?, જાણો તેમના વિશે…

Delhi New CM: કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી માટે નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આજે સાંજે ભારતીય જનતા પાર્ટીએ રેખા ગુપ્તાને દિલ્હીમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા. નોંધનીય છે કે, ભાજપે મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડના રૂપમાં બે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી હતી. આ પછી આજે સાંજે રેખા ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી હતી અને આ સાથે દિલ્હીના આગામી સીએમ તરીકે તેમનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું.

કોણ છે રેખા ગુપ્તા?
રેખા ગુપ્તા હાલમાં દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં, રેખા ગુપ્તાએ શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના વંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા હતા.

રેખા ગુપ્તા 50 વર્ષના છે. તેમનો જન્મ 1974માં હરિયાણાના જીંદ જિલ્લામાં આવેલા નંદગઢ ગામમાં થયો હતો. મળતી માહિતી મુજબ, રેખા ગુપ્તાનો પરિવાર વર્ષ 1976માં દિલ્હી શિફ્ટ થયો હતો. તેના પતિનું નામ મનીષ ગુપ્તા છે. રેખા ગુપ્તાએ એલએલબી કર્યું છે અને વ્યવસાયે વકીલ પણ છે.