જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનશે, રાજીવ કુમારનું સ્થાન લેશે

મુખ્ય ચૂંટણી કમિશનર: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે. જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે. રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્ઞાનેશ કુમાર 19 ફેબ્રુઆરીએ સીઈસી તરીકેનો કાર્યભાર સંભાળશે. આ અંગે જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ-2023ની કલમ 4ની સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તે જ સમયે જ્ઞાનેશ કુમારના સ્થાને ડૉ. વિવેક જોશી હવે ચૂંટણી કમિશનર બનશે.
જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તેઓ ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનરનું પદ સંભાળી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકની સૂચના વચ્ચે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અસંમતિ નોંધ મોકલી છે. તેમણે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી હોવાથી બેઠક મુલતવી રાખવાની માગ કરી હતી.
કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્નો
સૂચના જારી કરવામાં આવે તે પહેલાં સોમવારે PMOમાં પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. PM મોદી, અમિત શાહ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમાં ભાગ લીધો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે બેઠક બોલાવવામાં મોદી સરકાર દ્વારા દાખવવામાં આવેલી ઉતાવળ પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. 19 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં પસંદગી સમિતિ પર સુનાવણી યોજાવાની હોવાથી પક્ષે બેઠક મુલતવી રાખવાની માગ કરી હતી.
કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાત કરતા પાર્ટીના ખજાનચી અજય માકન, વરિષ્ઠ નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને ગુરદીપ સપ્પલે જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવા શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
‘સરકારે બેઠક મુલતવી રાખવી જોઈએ’
સિંઘવીએ કહ્યું કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુનાવણી ૧૯ ફેબ્રુઆરીએ છે. આવી સ્થિતિમાં, સરકારે બેઠક મુલતવી રાખવી જોઈએ અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અસરકારક રીતે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ નવા કાયદા મુજબ, વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાની બનેલી સમિતિ મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરે છે, પરંતુ આમાં ઘણી બંધારણીય અને કાનૂની સમસ્યાઓ છે.