માંગરોળના વાંકલમાં કપિરાજ બાદ શ્વાન બન્યા આફત, ધો.3માં અભ્યાસ કરતા બાળક પર 3 શ્વાન તૂટી પડ્યા

માંગરોળ: માંગરોળના વાંકલ ગામમાં થોડા મહિના પહેલા કપિરાજે આખુ ગામ માથે લીધું હતું અને અનેક લોકોને બચકા ભર્યા હતા. ત્યારે વાંકલ વનવિભાગ અને લેપર્ડ રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ કપિરાજને પાંજરે પૂર્યો હતો અને ત્યાર બાદ ગામમાં ફરી શાંતિ જોવા મળી હતી. પરંતુ ગયા રવિવારે સ્કૂલ કમ્પાઉન્ડ ધોરણ ત્રણમાં ભણતા 8 વર્ષના બાળક પર ત્રણ શ્વાનોએ હુમલો કરી બાળકના શરીરે બચકા ભર્યા હતા. જોકે બાળકના પિતા અને ગામના લોકો દોડી આવતા બાળકનો બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે 108માં ખસેડાયો હતો.
આમ તો રવિવારની સ્કૂલમાં રજા હતી પણ સ્કૂલમાં રસોઈયા તરીકે કામ કરતા અને સ્કૂલમાં જ પરિવાર સાથે રહેતા રાહુલ વસાવાના 8 વર્ષના બાળક પર ત્રણ શ્વાનોએ હુમલો કર્યો હતો. બાળકનો જીવ તો બચી ગયો પણ અન્ય બાળક પર શ્વાન હુમલો ના કરે એ માટે સ્કૂલના આચાર્યએ વાંકલ ગ્રામ પંચાયતમાં લેખિત ફરિયાદ કરી બેકાબુ બનેલા શ્વાનોને પકડી બાળકોને સુરક્ષિત કરે એવી લેખિત માગ કરી છે.