February 25, 2025

AAPની હાર બાદ દિલ્હી સચિવાલય સીલ: ફાઇલો, કમ્પ્યુટર ડેટા ચોરાઈ જવાનો ડર!

Delhi Secretariat Sealed: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મોટી બહુમતી તરફ આગળ વધી રહી છે. ભાજપે આમ આદમી પાર્ટી (AAP)ને દિલ્હીમાં જીતની હેટ્રિક બનાવતા અટકાવી. અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે ભાજપ 27 વર્ષ પછી અહીં સત્તામાં પરત ફરવા જઈ રહી છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલથી લઈને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુધી, બધા જ ચૂંટણી હારી ગયા છે.

બપોરે 3.30 વાગ્યા સુધીમાં, ભાજપ 30 બેઠકો જીતી ચૂકી છે અને 18 બેઠકો પર આગળ છે. દિલ્હીમાં બહુમતીનો આંકડો 36 છે. જેને ભાજપ સરળતાથી પાર કરી રહી હોય તેવું લાગે છે. દિલ્હીમાં સત્તા પરિવર્તનના લહેરને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD)એ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના નિર્દેશો પર એક આદેશ જારી કર્યો છે.

આ આદેશમાં કહેવામાં આવ્યું
સચિવાલયના દસ્તાવેજોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે, વિભાગની પરવાનગી વિના દિલ્હી સચિવાલય પરિસરની બહાર કોઈપણ ફાઇલો, દસ્તાવેજો, કમ્પ્યુટર હાર્ડવેર વગેરે નહીં લઇ જઇ શકે. ઉપરાંત, મંત્રી પરિષદના તમામ વિભાગો, એજન્સીઓ અને કેમ્પ ઓફિસોને વિભાગની પરવાનગી વિના કોઈપણ રેકોર્ડ અથવા ફાઇલો દૂર ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.