February 4, 2025

સુરતમાં સ્ટેટ વિજિલન્સની મોટી કાર્યવાહી, રો-રો ફેરી સર્વિસમાંથી 400 પેટી વિદેશી દારૂ ઝડપ્યો

સુરતઃ ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે છતાં અવારનવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે સુરતના હજીરા વિસ્તારમાં ટેમ્પોથી થતી દારૂની હેરફેરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત સ્ટેટ વિજિલન્સે દરોડા પાડીને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, સ્ટેટ વિજિલન્સે દરોડા પાડી વિદેશી દારૂની 400 પેટી જપ્ત કરી છે. રો-રો ફેરી સર્વિસમાં સુરતથી ભાવનગર દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. રો-રો ફેરીમાં દારૂ ભરેલો ટેમ્પો મૂકવામાં આવ્યો હતો. ત્યારે સતત બીજી વખત રો-રો ફેરીમાં દારૂ ભરેલું વાહન ઝડપાયું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો અને ક્યાં આપવાનો હતો તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.

મહત્વની વાત તો એ છે કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ આવે છે ક્યાંથી અને કોની રહેમનજર હેઠળ હેરાફેરી કરવામાં આવે છે, તેવા અનેક સવાલ ઉભા થાય છે.