હવામાન વિભાગની આગાહી – ફેબ્રુઆરીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો પારો ફરી એકવાર ઉંચકાયો છે. ત્યારે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. જેમાં તેમણે ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.’
આ ઉપરાંત તેમણે તાપમાન વિશે જણાવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આવતીકાલથી 2-4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. ફેબ્રુઆરી મહિનામાં લધુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છૂટાંછવાયા હળવા વરસાદની શક્યતા છે.