February 2, 2025

મહીસાગરમાં અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા, પોલીસે આરોપીની ઝડપી પાડ્યો

મૃગરાજસિંહ પુવાર, મહીસાગરઃ કાળીબેલ ગામે સોમાભાઈ ખાંટ સાથે અરજણભાઈ ખાંટને ઉગ્ર બોલા ચાલી થતા અંગત અદાવત રાખી તીક્ષણ હથિયાર વડે હુમલો કરી સોમાભાઈ ખાંટની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે ગામના જ એક વ્યક્તિએ નિર્દયતાથી 55 વર્ષીય સોમાભાઈ ખાંટની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ તમામ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે માત્ર 24 કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી અરજણભાઈ ખાંટની અટકાયત કરી છે.

મળતી માહિતી પ્રમાણે, સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે 31 તારીખની વહેલી સવારે 55 વર્ષીય સોમભાઈ ખાંટની ખેતરમાંથી મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે લાશ મળી આવી હતી. સ્થાનિક લોકો દ્વારા સંતરામપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી સોમાભાઈ ખાંટના મૃતદેહને પેનલ પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

સંતરામપુર પોલીસે અલગ અલગ ટીમો બનાવી તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક વિસ્તારમાં તપાસ હાથ ધરતા અરજણભાઈ ખાંટ નામના વ્યક્તિ દ્વારા હત્યા કરી હોવાની કબુલાત થતા સ્થાનિક ગામમાં પણ હડકંપ મચી ગયો હતો. જો કે, હત્યાનું કારણ માત્ર ઉગ્ર બોલાચાલી અને બોરના પાણીની લેવડદેવડ અંગે પણ ત્રણ ચાર દિવસ પહેલાં બોલાચાલી થઈ હતી.

તેમજ સોમભાઈ ખાંટ તેમની પુત્રી પર નજર બગાડતા હતા તેવો વહેમ આશંકા રાખી અને જૂની અંગત અદાવત રાખી અરજણભાઈ ખાંટ દ્વારા તેમને ખેતરમાં ધારીયા વડે માથાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સોમાભાઈ ખાંટની સાઇકલ તેમજ તીક્ષ્ણ હથિયાર છુપાવવાનો પ્રયત્ન કરી પુરાવા નાશ કરતા પોલીસે ભેદ ઉકેલી સમગ્ર વસ્તુ જપ્ત કરી અરજણભાઈ ખાંટની અટકાયત કરી છે.